રસ્તો બંધ કરવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સચિવ પી.ડી. વાઘેલા પર સીધો આક્ષેપ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા થી લુણસરીયા ગામ વચ્ચે આવેલ રસ્તા બાબતે છેલ્લા ઘણાં સમયથી ખટરાગ ઊભો થયેલ છે અને આ રસ્તો બંધ કરાવવા માટે અગાઉ આત્મવિલોપનની અરજી સંદર્ભે વાંકાનેર મામલતદાર દ્વારા રસ્તો બંધ કરવામાં આવેલ પરંતુ આ રસ્તાનો ઉપયોગ અંદાજિત ૨૦ ગામના લોકો કરતાં હોય અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ ખાતે માલ લઇ જવા માટે ટુંકો રસ્તો હોય તેમજ વિદ્યાર્થીઓ માટેના વાહનો પણ આ રસ્તે ચાલતા હોય બધા ગામના સરપંચોએ મળી લેખિતમાં કલેકટર અને સંસદ સભ્યને રજૂઆત કરતાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આ હયાત રસ્તો ખોલવા માટે વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિત હુકમ કરવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી આ રસ્તો ખોલવામાં ન આવતાં કેરાળા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એન. પી. સોલંકી દ્વારા મુખ્યમંત્રીને વાંકાનેર મામલતદાર મારફત અરજી આપી જો આ રસ્તો દસ દિવસમાં ખોલવામાં નહિં આવે તો હયાત રસ્તા પર તારીખ ૩/૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જાહેરમાં આત્મવિલોપન કરવાની જાહેરાત કરતાં અધિકારીઓમાં દોડધામ મચી ગયેલ. આ અરજીમાં એન. પી. સોલંકી દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવેલ છે કે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા રસ્તો ખોલવાનો આદેશ કરતી વખતે કહેવામાં આવેલ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સચિવ પી.ડી. વાઘેલા આ રસ્તો બંધ કરાવનાર અરજદારના જમાય થાય છે અને મારા ગુરૂ હોય તેથી તેમની મર્યાદા જાળવી તેમને અનુકૂળ કાર્યવાહી કરવી પડે અને આ અનુકૂળ કાર્યવાહી એટલે હયાત રસ્તો ના ખોલવો કે ખોલવા અંગેની કાર્યવાહી નહીં કરવી. આમ વાંકાનેરમાં ભારત સરકારના એક ઉચ્ચ સચિવ અને કલેક્ટર પર પારિવારિક સંબંધોના કારણે પ્રજાહિતની કાર્યવાહી ન કરતાં હોવાનું અને તેના લીધે ૨૦ ગામની પ્રજા હેરાન થતી હોવાનો આક્ષેપ કરતી અરજી આવતાં આ મામલો ટોક ઓફ ટાઉન બનેલ છે.