રામદેવપીરનો વેશ ધારણ કરનાર શિક્ષક બન્યા આકર્ષણનું કેન્દ્ર વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી કાછિયાગાળા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ડાન્સ, એકપાત્રી અભિનય, નાટક અને અલગ અલગ વિષયો પર વક્તવ્યો રજૂ કર્યા હતા. આ જ શાળાના એક શિક્ષક પરેશભાઈ બાવરીયા દર વર્ષે આવતા રાષ્ટ્રીય પર્વના કોઇને કોઇ વેશ ધારણ કરતા હોય છે. આ વર્ષે તેઓએ રણુજાના બાબા રામદેવપીરનો વેશ ધારણ કરી ઘોડી ઉપર બિરાજમાન થઈ ગામ સમસ્ત સમક્ષ ઉપસ્થિત થતા તેઓએ લોકોના મન મોહી લીધા હતા. અહીંયા થતા કાર્યક્રમોનું આકર્ષણ આજુબાજુના ગામોમાં પણ ખૂબ હોવાથી અન્ય ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ શિક્ષકે મહાદેવજીનો વેશ ધારણ કર્યો હતો. 'દીકરીને સલામ' અંતર્ગત ગામની સહુથી વધુ ભણેલી દીકરીનું સન્માન કરાવવામાં આવ્યું હતું. ગામના સરપંચ ધીરુભાઈ ઝરવરિયા સહિત તમામ ગ્રામજનોનો એ આ કાર્યક્રમને ખૂબ સારો સહકાર આપી મનભરીને માણ્યો હતો.