અતિવૃષ્ટિ બાદ ગુલાબી ઈયળનો ત્રાસ હોવાથી ખેડૂતોને કપાસનો પાક ના છૂટકે સળગાવી દેવો પડ્યો હતો. છેલ્લા બે વર્ષથી ખેડુતોને પાક વિમો નથી મળ્યો ત્યારે હવે રવિ પાક ઉગાડવા માટે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના ખેડૂતોની માઠી દશા હોય તેમ અતિવૃષ્ટિ બાદ કપાસમાં ગુલાબી ઈયળ આવવાથી હવે કપાસનું ઉત્પાદન શક્ય ન હોય ખેડૂતો પોતાના ખેતરમાંથી કપાસનાં ઊભા પાક પર ટ્રેકટર ચલાવી પાકને કાઢી નાખ્યો હતો અને આ ગુલાબી ઇયળો સંપૂર્ણપણે નાશ પામે એ માટે કપાસના છોડના ઢગલા કરી સળગાવી દીધો હતો. અત્યાર સુધીમાં ખેડૂતોએ કપાસના ઉત્પાદનમાં એક વીઘા દીઠ અંદાજીત ૧ થી ૨ મણ કપાસનો ઉતારો લીધો હતો ત્યાં ગુલાબી ઈયળ આવી જતાં કપાસના જીંડવા બગડી ગયા છે. આમ આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિ અને ગુલાબી ઈયળના ત્રાસના લીધે ખેડૂતોને કપાસનાં વાવેતરમાં ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. પંચાસીયા ગામના ખેડૂતોને વર્ષ 2016-17 અને વર્ષ 2017-18 નો પાક વીમો હજુ સુધી મળેલ ન હોય ખેડૂતો પર સંકટોના વાદળો છવાયા છે. પંચાસીયા ગામના ખેડૂતોએ વર્ષ 2016-17નો પાક વીમો મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરેલ છે અને જો પાક વિમાના પૈસા ટૂંક સમયમાં મળે તો ખેડૂતો આગામી રવીપાક માટે બિયારણ અને જંતુનાશક દવા ખરીદી શકશે અન્યથા ખેડૂતો અસહાય પરિસ્થિતિમાં રવિપાક માટે ચિંતાથી ધેરાયેલા જોવા મળી રહ્યા છે.