ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ આઠ શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે તાલુકા પોલીસ સ્ટાફ દારૂની રેડ કરીને એક આરોપીને 12 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ જતી હતી. તે દરમિયાન રસ્તામાં આઠ શખ્સોએ પોલીસની જીપ ઉપર હુમલો કરી તોડફોડ કરીને સ્ટાફ ઉપર હુમલો કરીને દારૂના કેસના આરોપીને પોલીસના કબ્જામાંથી છોડાવી ભગાડી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આઠ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેઙ કોન્સ મનિષકુમાર લલીતભાઇએ આરોપીઓ સહદેવભાઇ સાર્દુલભાઇ, કમલેશ સાર્દુલભાઇ ફાંગલીયા, નિકુલ સાર્દુલભાઇ ફાંગલીયા, જગાભાઇ ભઇલાલભાઇ, વિપુલ ઉર્ફે શેટૃી ધીરૂભાઇ, વિશાલભાઇ ભરતભાઇ ફાંગલીયા ઉ.વ. ૧૮, પ્રકાશભાઇ ઉર્ફે પકો હઠાભાઇ ફાંગલીયા ઉ.વ. ૨૫, અશ્વિનભાઇ બટુકભાઇ કોળી તથા ધિરૂ બચુભાઇ જખાણીયા (રહે બધા ગામ તીથવા, તા. વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે તીથવા ગામ નજીક સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે ધિરૂ બચુભાઇ જખાણીયા સહિત બે શખ્સઓ પોલીસને જોઈ જતા પોટલું મૂકીને ભાગ્યા હતા. બાદમાં પોલીસે તેનો પીછો કરીને તેમાંથી એક શખ્સ ધિરૂ બચુભાઇ જખાણીયા કપડાંના પોટલાંમાં મળી આવેલ 12 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીને લઈને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જતી હતી. તે દરમિયાન જડેશ્વર તરફ જતા રોડ ઉપર આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અવરોધ ઉભો કરી પોલીસ જીપ રોકાવી ધોકા મારી તોડફોડ કરી પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી અમારી સાથે જપાજપી કરી દારૂના કેસમાં પકડેલા આરોપીને ભગાડી જઈને આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તેમજ કારમાં ધોકા મારી નુકશાન કરી ભાગી ભગાડી જઇ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.