કારમાંથી બિયરના ટીન મળ્યા : 3 યુવાનો ગંભીર : પીઆઇ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે વાંકાનેર : વાંકાનેરના લુણસરિયા ગામ પાસે આજે રાતના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર પલટી મારી જતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 3 યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ નજીક આવેલ ફાટક પાસે આજે રાતના 9 વાગ્યાના અરસામાં જીજે 01 કેસી7525 નંબરની એક કાર પલટી મારી ગઈ હતી. આ કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 3ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગ્રામજનોએ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે આ બનાવની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ મથકના પીઆઇ રાઠોડ અને પીએસઆઇ સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે રહેલા વાંકાનેર સિટી પોલીસ પીઆઇ રાઠોડે 'મોરબી અપડેટ'ને જણાવ્યું હતું કે કારમાંથી 4 બિયરના ટીન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનોમાંથી એક યુવાન મોરબીના લાલપર ગામનો હોવાનું પણ જાણવા મળ્યું છે. વધુમાં ગ્રામજનોએ કહ્યું હતું કે કાર ઝડપથી જતી હતી એટલે કોઈ એક વ્યક્તિએ હાથ ઊંચો કરીને તેમને કાર ધીમે ચલાવવા માટે ઈશારો કર્યો હતો. જેથી કારચાલકને એવું લાગ્યું હતું કે તે પોલીસ છે. માટે તેણે પુરઝડપે કાર ચલાવી હતી અને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવાતા કાર પલટી મારી ગઈ હતી. હાલ મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ મેળવાઈ રહી છે.