વાંકાનેર : આમ તો મોરબી જિલ્લાના બધા ગામોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે. વાંકાનેરના મચ્છુ-૧ ડેમ થી લઈ માળિયા સુધી મચ્છુ નદીના પટમાં રેતીચોરો ને ખુલ્લું મેદાન મળી ગયું છે ગમે ત્યાંથી ગમે તેટલી રેતી ઉપાડો કોઈ રોકવાવાળું નથી. સરકારી તંત્ર સાથે સાંઠગાંઠ કરી ખનિજચોરો બેફામ બની ગયા છે. વાંકાનેર પંથકમાં પણ મોટા પ્રમાણમાં રેતી, ગ્રેવલ, મોરમ અને સિરામિક માટીની ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ ખાતુ મહિનામાં એકાદ બે ચક્કર મારી પોતાની નહિંવત હાજરી પુરાવી વહીવટ કરી જાય છે. જો કોઇ ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદ કરે તો તેને સાંભળનાર કોઈ નથી. વાંકાનેરના મહિકા માં પણ છેલ્લાં ઘણાં સમયથી રેતીચોરીની ફરિયાદો ઉઠી છે. બે વખત તો રેતીચોરી મામલે મારામારીના બનાવો પોલીસ ચોપડે પણ ચડી ગયા છે. થોડા સમય પહેલાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મહિકાની નદીના પટમાંથી એક હિટાચી અને એક ડમ્પર ખનીજ ચોરી માં પકડી પાડી પોતાની પાસેરામાં પુરી સમાન કામગીરી બતાવેલ પરંતુ ત્યાં રહેલા બીજા વીસ લોડર અને સો ગાડીઓને મોકળો પટ આપી દીધેલ ? આજે સવારે વાંકાનેરના મહિકા ગામ ની મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા એક લોડરના હડફેટે ૧૪ વર્ષનું બાળક આવી જતા સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજેલ. વાંકાનેરના હોલમઢ ગામે રહેતા બાબુ ગોવિંદ રોજાસરા ઉંમર વર્ષ ૧૪ તેમની વાડીએ જતા વચ્ચે નદી ક્રોસ કરતા લોડર માં એકસીડન્ટ થતાં ત્યાં સ્થળ પર તેમનું મૃત્યુ નીપજેલ. નાના એવા હોલમઢ ગામમાં આ બનાવની જાણ થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ખનિજચોરો પર ફિટકાર વરસી રહ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ પર કલમ 279, 337, 304અ, એમ.વી.એકટ 177, 118 મુજબ ગુનો નોંધી બનાવમાં કયા કયા વાહનો હતા, કોણ કોણ ગેરકાયદેસર રેતી ચોરીમાં સંડોવાયેલ છે તે અંગેની વધુ તપાસ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.