મોરબી : વાંકાનેરના રાજમહેલમાં થયેલી એન્ટિક ચીજ વસ્તુઓની ચોરીને નવનિયુક્ત જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ પડકારરૂપ ગણાવી હતી અને તસ્કરોને ઝડપી લેવા અમદાવાદ તથા રાજકોટ ક્રાઇમબ્રાન્ચની મદદ લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. વાંકાનેરના રણજિત વિલાસ પેલેસની ચોરી મામલે જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ ચોરીનો ભેદ કોઈપણ સંજોગોમાં ઉકેલવા પોલીસ સજ્જ છે, તેઓએ જણાવ્યું હતું કે એન્ટિક ચીજોની ચોરીનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજમહેલની ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમને ખાસ વાંકાનેર ઘટના સ્થળની વિઝીટ કરાવી ચોરીની ઘટનાના અંકોડા મેળવવા પ્રયાસ કરવામાં આવી રહયો છે. દરમિયાન રાજવી ચીજ વસ્તુઓની ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવા અગાઉ આવી ચોરી કરનાર તસ્કરોના પણ પગેરું દબાવવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડાએ અંતમાં જણાવ્યું હતું.