27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી, 5 ગામોમાં સરપંચ પેટા ચૂંટણી, 4 ગામાઓમાં સરપંચ અને વોર્ડ પેટા ચૂંટણી તથા 4 ગામોમાં વોર્ડ પેટા ચૂંટણી યોજાશેમોરબી : મોરબી જિલ્લાના 40 ગામોમાં આગામી રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જેને લઈને વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. ચૂંટણીના દિવસે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.આ અંગે વિગતો આપતા જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે મોરબી જિલ્લાની 192 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી હતી. હવે 40 ગામોમાં ચૂંટણી યોજાનાર છે. જેમાં સામાન્ય અને મધ્યસત્ર ચુટણી 27 ગામોમાં થશે. સરપંચની પેટા ચૂંટણી 5 ગામોમાં થશે. સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી 4 ગામોમાં અને વોર્ડની પેટા ચૂંટણી 4 ગામોમાં થશે. 40 ગામોમાં 79 મતદાન મથકો છે. 40 સંવેદનશીલ મતદાન મથકો છે. 29 આરઓ અને 29 એઆરઓની નિમણુંક થઈ ગઈ છે. જે તમામની તાલીમ પૂર્ણ કરી દેવાય છે. આ સાથે 15 ઝોનલ અધિકારીની નિમણુંક કરી દેવાય છે. પોલિસ બંદોબસ્ત પણ ચુસ્ત હશે. રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પણ નક્કી કરી લેવાયા છે. મતગણતરીની તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ જરૂરી જાહેરનામા પ્રસિદ્ધ કરી દેવાયા છે અને સ્ટ્રોંગરૂમની પણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. લોકોને અપીલ છે વધુમાં વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરે. કુલ 79 મતદાન મથકો, જેમાંથી 40 સંવેદનશીલ મોરબી જિલ્લામાં 79 મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. જેમાં વાંકાનેર તાલુકામાં 34, માળિયા તાલુકામાં 3, હળવદ તાલુકામાં 13, ટંકારા તાલુકામાં 6 અને મોરબી તાલુકામાં 23 મતદાન મથક છે. આ પૈકી વાંકાનેર તાલુકામાં 20, માળિયા તાલુકામાં 1, હળવદ તાલુકામાં 8, ટંકારા તાલુકામાં 3 અને મોરબી તાલુકામાં 8 મળી કુલ 40 મતદાન મથકો સંવેદનશીલ છે. 377 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે, 113 જેટલો સ્ટાફ રિઝર્વ રખાયોઆ ચૂંટણીમાં 377 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે 113 જેટલો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે. હળવદ તાલુકામાં 5 આરઓ, 5 એઆરઓ અને 2 ઝોનલ, મોરબી તાલુકામાં 12 આરઓ, 12 એઆરઓ અને 5 ઝોનલ, વાંકાનેર તાલુકામાં 8 આરઓ, 8 એઆરઓ અને 5 ઝોનલ, ટંકારા તાલુકામાં 2 આરઓ, 2 એઆરઓ અને 1 ઝોનલ, માળિયા તાલુકામાં 2 આરઓ, 2 એઆરઓ અને 2 ઝોનલ ફરજ બજાવશે.