કોરોનાના આંતકના કારણે દર્દીઓની નાજુક પરિસ્થિતિ છતાં તંત્ર હજુ મીટીંગોમાં જ વ્યસ્ત હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે હળવદની આજે જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજીને હળવદના કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જો કે કોરોનાના આંતકના કારણે દર્દીઓની નાજુક પરિસ્થિતિ છતાં તંત્ર હજુ મીટીંગોમાં જ વ્યસ્ત હોવાનો તાલ સર્જાયો હતો. હળવદમાં કોરોનાના કહેરને પગલે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા આજે હળવદ દોડી ગયા હતા. અને તેઓની હળવદના સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને ધારાસભ્ય સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ હળવદ કોરોનાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી મનીષા ચંદ્રાએ મીડિયાને કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. બાદમાં તેઓએ હળવદની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી. ત્યારે હળવદની સરકારી હોસ્પિટલના અધિક્ષકે હાલમાં દર્દીઓનો સતત ઉછાળો આવતા તેમની સારવારને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવાની રજુઆત કરી હતી. જ્યારે હાલ કોરોના સામે લોકો લાચાર હોય ત્યારે નક્કર કાર્યવાહી કરવાની બદલે હજુ તંત્ર મીટીંગોના તાયફામાંથી ઊંચું આવતું નથી.