ગ્રામજનોની માંગણી મુજબ અંડરપાસ બન્યો પરંતુ સર્વિસ રોડ ન બનાવાતા યમરાજને પધારવા ખુલ્લું આમંત્રણ મોરબી : ફોરલેન બનેલા મોરબી રાજકોટ હાઇવે ઉપર નવા વિરપર અને જુના વિરપર ગામ વચ્ચે બનાવવામાં આવેલ અંડરપાસને હાઇવે સાથે જોડવા માટે સર્વિસ રોડ બનાવવામાં ન આવતા બન્ને ગામના લોકો ઉપર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ને ગામના જાગૃત નાગરિક પરાગ મુંડદિયાએ સંબંધિત વિભાગથી લઇ મુખ્યમંત્રી સુધી ફરિયાદનો મારો ચલાવવા છતાં હજુ પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એપ્રોચ રોડની કામગીરી હાથ ન ધરવામાં આવતા વીરપર ગામ અકસ્માત ઝોન બન્યું છે અને યમરાજાએ પણ અહીં મુકામ કર્યો હોય તેવી પ્રતીતિ ગ્રામજનોને થઈ રહી છે. મોરબી રાજકોટ હાઇવે ફોરલેન થતા નવા-જુના વીરપર ગામના ગ્રામજનો દ્વારા બન્ને ગામમાં અવરજવર માટે અંડરપાસ બનાવવા માંગ ઉઠાવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંડરપાસ તો બનાવી આપ્યો; પરંતુ અંડરપાસને જોડતો એપ્રોચ રોડ ન બનાવતા ગામના જાગૃત નાગરિક પરાગ મુંડદિયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવથી લઈ તમામ સંબંધિત વિભાગોને આ મામલે રજુઆત કરતા મોરબી કાર્યપાલક ઈજનેર દ્વારા હાલમાં સર્વિસરોડ બનવવાની પ્રક્રિયા સરકારમાં મંજૂરી માટે મોકલ્યું હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. જો કે, સરકારની મંજુરીમાં અટવાયેલા એપ્રોચ રોડની પ્રક્રિયાને કારણે હાલમાં છાસવારે નવા અને જુના વીરપર ગામ પાસે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકો મજબુરીવશ રોન્ગ સાઈડમાં વાહનો ચલાવી રહ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે એપ્રોચ સર્વિસ રોડની કામગીરી પૂર્ણ કરાવી અહીંથી યમરાજાને વિદાય આપવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.