વાંકાનેરના અમરસર ગામની ઘટના ઘાયલોને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો વાંકાનેર : વાંકાનેરના અમરસર ગામેં ઢોર ચરાવવા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને જૂથના મળીને 6 લોકોને ઇજા પહોંચતા આ તમામ ઘાયલોને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અને પોલીસે ગામમાં દોડી જઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામેં ખેડૂતના ખેતરમાં ઢોર ઘુસી ગયા હતા. આથી આ મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા બન્ને જૂથના લોકો હથિયારો લઈને આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં બન્ને જૂથના મળીને 6 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અમરસર ગામે થયેલા ધીંગાણામાં જગદીશભાઈ વેલાભાઈ ગમારને ઈજાઓ સાથે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જયારે સામાપક્ષે નુરમહંમદભાઈ હાજીભાઇ ખોરજીયા, ઇસ્માઇલભાઈ હાજીભાઇ ખોરજીયા, મહેબૂબ હાજીભાઇ ખોરજીયા, હસીનાબેન મહેબુબભાઇ ખોરજીયા અને દિલનવાજ નુરમહંમદભાઈ ખોરજીયાને ઈજાઓ સાથે વાંકાનેરની પીરમસાઇ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે જિલ્લા પોલીસવડા વાંકાનેર ઇન્સ્પેક્શનમાં છે તેવા સમયે જ આ ઘટના ઘટતા પોલીસ તુરંત જ હરકતમાં આવી ગઈ છે. અને હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમરસર ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..