2,67,372 મતથી જીત્યા ભાજપનાં વિનોદ ચાવડા, મોરબી વિધાનસભામાં 66,777 મતની તોતિંગ લીડ મળીકચ્છ : કચ્છ-લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ભાજપના વિનોદ ચાવડાએ જીત મેળવી છે. 2014, 2019 બાદ 2024માં પણ કચ્છ-મોરબી લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ જીત મેળવી છે. આશરે 2,67,372 મતથી વિનોદ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને હરાવ્યા છે.કચ્છ-મોરબી લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપના વિનોદ ચાવડાએ 6,56,151 મત મેળવ્યા છે જ્યારે કોંગ્રેસના નિતેશ લાલણને 3,87,779 મત મળ્યા છે. એટલે કે વિનોદ ચાવડાએ 2,67,372 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. આમ વિનોદ ચાવડાએ સતત ત્રીજી વખત કચ્છ-મોરબી લોકસભા બેઠક જીતી લીધી છે. જીતની હેટ્રિક બાદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, કચ્છ અને મોરબીની જનતાએ ત્રીજી વખત મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તે બદલ હું તમામ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યું છું. અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને તેમનો પરિશ્રમ આજે પરિણામરૂપ બન્યો છે, એટલે તમામ કાર્યકરોનો પણ આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છમાં અનેક વિકાસના કાર્યો થયા છે. રાજ્ય સરકારના માધ્યમથી પણ કચ્છમાં અનેક વિકાસ કાર્યો થયા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે. આગામી પાંચ વર્ષમાં મોરબી અને કચ્છ લોકસભામાં વિકાસના કાર્યોને હું આગળ વધારીશ તેની ખાતરી આપું છું.અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ ચાવડાની જીતમાં મોરબી વિધાનસભાનો ખૂબ જ મહત્વનો રોલ રહ્યો હતો. મોરબી વિધાનસભામાં 66,777 મતની વિનોદ ચાવડાને તોતિંગ લીડ મળી હતી.