અજાણ્યા વ્યક્તિઓ તથા બપોરે 1થી 5 દરમિયાન ફેરિયાઓ માટે ગામમાં પ્રવેશબંધી, દરરોજ રાત્રે 25 જેટલા લોકો દ્વારા રાત્રી રોન શરૂ મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધ્યા છે. તેથી હવે ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ જાગૃત બન્યા છે. જેમાં મોરબીના ઝીકિયાળી-રમાનગર ગામે ચોરીના બનાવો અટકાવવા ખુદ ગ્રામજનો મેદાને આવ્યા છે. જેમાં અજાણ્યા વ્યક્તિઓ તેમજ બપોરે 1થી 5 દરમિયાન ફેરિયાઓ માટે ગામમાં પ્રવેશબંધી ફરમાવી દરરોજ રાત્રે 25 જેટલા લોકો દ્વારા રાત્રી રોન શરૂ કરાઈ છે. ઝીકિયાળી ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના ઝીકિયાળી-રમાનગર ગામની આજુબાજુના ગામોમાં ચોરીના બનાવો બનતા હોવાથી ઝીકિયાળી-રમાનગર ચોરીના બનાવો અટકાવવા માટે ગ્રામજનો સતર્ક બનીને દરરોજ રાત્રી 25 જેટલા લોકો દ્વારા ગામમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ બરાર ગામથી આવતા તમામની સઘન પૂછપરછ કરવામાં આવશે. જો એ વ્યક્તિ સાચી હકીકત નહિ જણાવે તો તેને જવા દેવામાં નહિ આવે. તેમજ અજાણ્યા વ્યક્તિઓ અને બપોરે 1થી 5 દરમિયાન ફેરિયાઓ માટે ગામમાં પ્રવેશબંધી ફરમાવી છે.