કોઈ પણ નોટિસ વિના માપણી કરવા આવેલા મામલતદાર અને અધિકારીઓનો વિરોધ કરાયો, ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવાના આશ્વાસન બાદ ચક્કાજામ મોકૂફમોરબી : ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પીપળીયા 4 રસ્તાથી માળિયા સુધી જતા રસ્તા પર જસાપર નજીકની ગોળાઈ કાપીને સીધો નવો બાયપાસ રોડ બનાવવાની કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રસ્તાની માપણી કરવા માટે મામલતદાર અને રોડ વિભાગના અધિકારીઓ પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જસાપર ગામના લોકો પેટ્રોલ પંપ પાસે એકત્રિત થયા હતા અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રોડની માપણી માટે તેમને અગાઉથી કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી અને છતાં અધિકારીઓ માપણી કરવા પહોંચી ગયા હતા. લોકોની માંગ છે કે પીપળીયા 4 રસ્તાથી માળિયા સુધીનો હાલનો જે રોડ છે, તેની જમીન અગાઉથી જ સંપાદિત થયેલી છે, તેથી તે જ રસ્તાને યથાવત રાખવામાં આવે અને નવો બાયપાસ રોડ કાઢવામાં ન આવે.ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, મામલતદારે લોકોને ડેપ્યુટી કલેક્ટર પાસે જઈને આ અંગે રજૂઆત કરવા જણાવ્યું હતું. આ સૂચના બાદ લોકોએ હાલ પૂરતો ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને આગામી સમયમાં ડેપ્યુટી કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા રાધાબેન મૈયડ નામના મહિલાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ જમીન પર અમારા છોકરાઓના રોટલા નભે છે. અમે કોઈપણ સંજોગોમાં નવો રોડ નહીં બનવા દઈએ. અમે મરવા અને મારવા બંને માટે તૈયાર છીએ.અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે 10 પેઢીથી અમે અહીં ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. આ બાયપાસથી અનેક પરિવારોની આજીવિકા છીનવાઈ જશે અને લોકોએ મજૂરી કરવા મોરબી જવું પડશે. આજે સર્વેની કામગીરી રોકાવતા મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવા જણાવાયું છે.જસાપર ગામના ડાંગર ભાઈએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, મારી અને મારા ભાઈની કુલ 4.5 વીઘા જમીન છે, જે પૂરેપૂરી આ રોડ કપાતમાં જતી રહે છે. હું સાવ જમીન વિહોણો થઈ જઈશ. જો સરકાર જમીન લેવી જ હોય તો સામે મને બીજી જમીન આપે નહીંતર રોડનું કામ બંધ કરે.આ અંગે ગૌરીબેન નામના મહિલા ખેડૂતે પણ જણાવ્યું કે તેમની 5 વીઘા જમીન પર 17 માણસોનું કુટુંબ નભે છે, જો આ જમીન રોડમાં જતી રહેશે તો તેઓ ક્યાં જશે?#MorbiUpdate #Jasapar #BharatmalaProject #Protest #BypassRoad #MorbiNews #GujaratNews