ડે. ડીપીઈઓ સહીતની ટીમે દોડી જઈને ખાતરી આપતા મામલો થાળે પડ્યો મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે આચાર્યની બદલી થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આચાર્યની બદલી રોકવાની માંગ સાથે ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ સ્કૂલને તાળબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.આ બનાવને પગલે ડે. ડીપીઈઓ સહિતની ટીમે પીપળી ગામે દોડી જઈને આ બાબતે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હાલ પૂરતો મામલી થાળે પડ્યો હતો. ગુજરાત સરકારના નવા નિયમ મુજબ શિક્ષકોની બદલી કરવામાં આવી રહી છે.જેમાં મોરબી તાલુકાના પીપળી ગામના આચાર્ય અશ્વિનભાઈ યાદવની બદલી કરવામાં આવી છે. આ આચાર્યની બદલી થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આચાર્યની બદલી રોકવાની માંગ સાથે ગામના સરપંચ પ્રવીણસિંહ ચતુભા ઝાલા , દિગ્વિજયસિંહની આગેવાની હેઠળ ગામલોકોએ સ્કૂલને તાળબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ ગામના આચાર્યની બદલી અટકાવવાની ઉગ્ર માંગ કરી હતી.આ બનાવની જાણ થતાં ડે.ડીપીઈઓ અને તેમની ટીમ પીપળી ગામે દોડી ગઈ હતી અને અને ગામલોકોને સમજાવી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો.