મોરબી : મોરબી જીલ્લામાં બેફામ ખનીજ ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના પીપળીયા ગામથી આગળ આવેલ મહેન્દ્રગઢ (ફાગસિયા),મેઘપર, દેરાળા સહિતના ગામોમાંથી નદીમાંથી રોયલ્ટી કે કોઈ લીઝ વિના મજૂરી વિના જ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી થઈ રહી છે જેમાં ગત રાત્રીના પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા અને ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી કરી રેતી ભરીને પસાર થતા એક પછી એક એમ ત્રણ ડમ્પર રેતી ભરેલા પકડી પાડ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મોરબી તાલુકા ઈન્ચાર્જ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતનો કાફલો પીપળીયા ગામે મોડી રાત્રીના ધસી ગયો હતો અને રેતી ભરેલા ત્રણેય ડમ્પરને મોરબી તાલુકા પોલીસ મથકે ડ્રાઇવર સાથે લઈ જવામાં આવ્યા હતા જેમાં મોડી રાત્રીના જ ખનીજ ચોરી કરતા ઈસમો અને આકાઓ મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા જો કે લાખોના ડમ્પર અને ચોરીની રેતી સાથે પકડેલા આ મુદ્દામાલમાં પોલીસે પોતાની કાર્યવાહી કરી છે પરંતુ ખાણ ખનીજ ખાતા દ્વારા હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેના પર એક મોટો પ્રશ્નાર્થ દેખાઈ રહ્યો છે ત્યારે કડક રીતે ખાણ ખનીજની કામગીરી કરતા ખાણ ખનીજ અધિકારી દ્વારા કેમ આ બાબતે હાલ ચુપી સાધી લેવામાં આવી છે અને કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી તે એક ગંભીર પ્રશ્ન છે ખાણ ખનીજ વિભાગની આવીજ કામગીરીથી ખનીજ માફિયાઓએ મોરબી જીલ્લાના તમામ નદી નાળાઓ અને હોકળા ખોદી નાખ્યા છે જેના પરિણામે નદીઓમાં પાણીના તળ નીચે ચાલ્યા ગયા છેઅને ગામડાઓમાં પણ પીવાના પાણીની મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. જો કે પીપળિયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ને પણ ટેલીફોનિક મોડી રાત્રીના ટેલીફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ ફોન નો રિસીવ થયો હતો અને પકડયા ના તુરંત જ આજુબાજુના ગામના આગેવાનોના ફોન પોલીસ અને પીપળીયા ગામના સરપંચ પર રણકવા લાગ્યા હતા પરંતુ સરપંચ કે પોલીસ દ્વારા નમતું જોખવામાં આવ્યું ન હતું અને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આવા ભુ માફિયાઓ વિરુદ્ધ મોરબી ખાણ ખનીજ વિભાગ કડક પગલાં લે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામા આવી છે.