બપોરથી સાંજ સુધીના ઘટનાક્રમમાં કરિયાણાની દુકાને શરૂ થયેલી બબાલ મોરબી સિવિલ સુધી ચાલી નશાખોરે સિવિલ પણ માથે લીધા બાદ સારવાર દરમિયાન મોત નાયબ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને મેથીપાક આપતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઇજાગસ્તે ડૉકટર સાથે પણ બાબલ કરી હતી. આથી, આ શખ્સને ડોક્ટરે પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા એ શખ્સની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્તા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે માર મરનાર ટોળા સામે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. તે પૂર્વે કરિયાણાંની દુકાનમાં બન્ને નશાખોરોએ બઘડાટી બોલાવતા મહિલાએ મૃતક અને અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કોળી અને જગદીશભાઈ દુદાભાઇ ઠાકોર ગઈકાલે બપોરના સમયે દારૂના નશામાં ધમાલ મચાવી હતી અને કરિયાણાની દુકાન બંધ કરાવી ગામની મહિલાઓને પણ માર માર્યો હતો. આથી, આ મામલો તંગ બનતા કેટલાક શખ્સોના ટોળાએ આ બન્ને શખ્સોને માર માર્યો હતો. આથી, બન્નેને ઇજા થવાથી બંને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ભરત કોળી દ્વારા એલફેલ બોલીને ઝઘડો કરવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી, એ ડિવિઝન પોલીસ સ્ટાફ ભરતને હોસ્પિટલેથી પોલીસ સ્ટેશનને લાવ્યો હતો. દરમિયાન તેની તબિયત લથડતાં તેને પુન: હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો. દરમિયાન ભરત રામજીભાઈ પરમાર નામના ધરમપુર ગામના યુવાનનું મોત નીપજ્યું હતું અને મામલો હત્યામાં પલટાયો હતો. મારામારીના બનાવમાં જગદીશ દુદા ઠાકોર (ઉ.વ. ૨૭)ને પણ ઇજા થઇ હોય તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયો હતો. આ બનાવ અંગે બન્ને શખ્સોને માર મરનાર ટોળા વતી અગાઉ ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામીએ મોરબી તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને પ્રગતિ જનરલ સ્ટોર એન્ડ પાન નામની દુકાન બંધ કરવા માટે ભરતભાઈ રામજીભાઈ પરમાર અને જગદીશભાઈએ કહ્યું હતું અને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી ધોકા વડે તેઓને હાથે અને પગે માર માર્યો હતો. આટલું જ નહિ તેઓને ઢસડીને માર માર્યો હતો. સામા પક્ષે મૃતક ભરત રામજીભાઈ કોળીની પત્ની મંજુબેને ફરિયાદ નોંધાવી છે કે, અગાઉના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓ જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ, બેચર ભરવાડ, બેચર ભરવાડનો ભાઈ સલિયો ભરવાડ, મયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળી, બળિયો કોળી, બળિયા કોળીના સંબંધી, શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી આમ કુલ નવ શખ્સોએ તેમના પતિ ભરતની હત્યા કરી હતી. આ બનાવ કસ્ટડીયલ ડેથનો છે કે કેમ તે અંગે પણ ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.એસ.આઇ. ગોઠણીયા તપાસ ચાલવી રહ્યા છે.