બીમારીઓનું જોખમ તોળાતું હોવાથી ગંદકીના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા કરી માંગવાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામના રહેવાસી ખોળાભાઈ હરજીવનભાઈ ચાવડા દ્વારા ગારો, કીચડ તેમજ પાણી ભરવાના કારણે થતી ગંદકી દૂર કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ વહેલી તકે આવે તેવી માંગ કરવામાં આવી છે. ખોળાભાઈ ચાવડાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની આસપાસ અને શેરીઓમાં કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે અગાઉ ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યા યથાવત છે.આ ગંદકીના કારણે ખોળાભાઈના પરિવાર સહીત આજુબાજુના રહેવાસીઓને બીમારીઓને સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે, તેમણે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રશ્નની તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવવા અને ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવા માંગ કરી છે.