રવાપર રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી : મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયામોરબી : મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર ગામડાની જેમ પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં ભાઈઓ અને બહેનોએ મન મૂકી રાસે રમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવી હરખ વ્યક્ત કર્યો હતો. મોરબીના રવાપર રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સાથે પટેલ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી જન્માષ્ટમીની પણ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંની આજુબાજુની સુભાષ અને દર્પણ સહિતની 15 સોસાયટીઓમાં ભાઈઓ અને બહેનો વારફતે રાસ રમ્યા હતા. રાસ રમ્યા બાદ કૃષ્ણ ભગવાનની આરતી કરીને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અંદાજે 5 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉમટ્યા હતા. આમ રવાપર રોડ જાણે ગોકુળ હોય તેવો માહોલ સર્જાયો હતો.