હિન્દુ ધર્મમાં જેટલા પણ દેવતાઓ છે તેમના અવતાર પાછળ કોઈને કોઈ ખાસ હેતુ રહેલો હોય છે. મોટા ભાગના રૂપો ભગવાને રાક્ષસના વધ કરવા માટે ધારણ કરેલા હોય છે. આવું જ એક વિશેષ રૂપ વિકટ અવતાર ધારણ કર્યો હતો ભગવાન શ્રીગણેશે. ત્યારે ગણેશ મહોત્સવના છઠ્ઠા દિવસે જાણીએ ગણપતિના વિકટ અવતારની પૌરાણીક કથા. પુરાણો અનુસાર શ્રીગણેશે કામાસુરના અહંકારને નાથવા માટે વિકટ અવતાર ધારણ કર્યો હતો. પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુ જાલંધરના વધ માટે વૃંદાનું તપ નષ્ટ કરી પહોંચ્યા ત્યારે તેમની કામાગ્નિથી ઉત્પન્ન થનારા અસુરનું નામ પડ્યું કામાસુર. કામાસુરે દૈત્યગુરૂ શુક્રાચાર્યની પાસેથી શિક્ષા ધારણ કરી. દૈત્યગુરૂ શુક્રાચાર્યએ કામાસુરની ભક્તિથી પ્રસન્ન થઈને વિજય માટે ભગવાન શિવની સાધના કરવાનું જણાવ્યું. ત્યારબાદ કામાસુરે મહાદેવ શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરી કઠોર પરિશ્રમ કર્યો. કામાસુરે અન્નજળનો ત્યાગ કરીને તેના શરીરને જીર્ણ ક્ષીણ કરી નાંખ્યું. કામાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ પ્રકટ થઈને વરદાન માંગવાનું કહ્યું. તેણે બ્રહ્માંડનો સ્વામી, શિવભક્તિ અને મૃત્યુંજયી થવાનું વરદાન માંગ્યું. વરદાન મળતા જ અહંકારમાં ચકનાચુર થઈને તેણે પૃથ્વીના સમસ્ત રાજાઓને પરાજીત કરી સ્વર્ગ પર પણ કબજો જમાવ્યો. તેના લગ્ન મહિષાસુરની પુત્રી ત્રિષ્ણા સાથે થયા અને તેમને બે પુત્રો હતા - શોષણ અને દુષ્પૂર. કામસુરના શાસનથી ત્રાસીને દેવગણ મહર્ષિ મુદ્રલ પાસે ગયા. ત્યારે મહર્ષિ મુદ્રલે તમામ દેવતાઓને ગણેશજીની ઉપાસના કરવાની સલાહ આપી. દેવતાઓએ કામાસુરથી મુક્તિ મેળવવા વિઘ્નહર્તા ગણેશજીનું તપ કર્યું. ગણેશજી તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને વિકટ અવતાર રૂપ ધારણ કરી પ્રગટ થયા. મયુર પર બીરાજમાન વિકટે તમામ દેવી-દેવતાઓ માટે કામાસુરનો વધ કર્યો. આ ધમાસાણ યુદ્ધમાં કામાસુરના બંને પુત્રોનો પણ નાશ થયો.