ભાજપના અગ્રણીઓએ પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી : ખ્યાતનામ કાયદાવીદ, જાહેર જીવનના ઝુંઝારૂ નેતા એવા અભય ભારદ્વાજના અવસાન અન્વયે સદ્દગતને અંજલિ અર્પતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે 'અભયભાઇ સાથે મારો ચાર દાયકા જૂનો સબંધ હતો. તેઓના અવસાનથી મે અંગત એવા સહૃદયી મિત્ર ગુમાવ્યા છે. તેમના અવસાનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં ખાલીપો સર્જાયો છે.' ગઈ રાત્રે બ્રિજેશ મેરજાને આ સમાચાર મળતા તેઓ સદ્દગતના પરિવારને દિલસોજી આપવા અભયભાઈ ભારદ્વાજના ભાઈ નીતિનભાઇ ભારદ્વાજને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. તેમજ અભયભાઇ સાથે વિતાવેલા જૂના સંભારણા વાગોળીયા હતા. આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, બી. એચ. ઘોડાસરા, નીતિનભાઇ, ગુણુભાઈ દેલવાડા, રમેશભાઈ રૂપાપરા તેમજ કશ્યપભાઈ શુક્લએ પણ સાથે રહી અંજલિ પાઠવી હતી.