સગીરા સાથે અત્યાચારના બે અલગ અલગ કેસોમાં પોકસો અદાલતના ધાક બેસાડતા ચુકાદા : બન્ને ભોગ બનનારને રૂ.4.35 લાખ વળતર ચૂકવવા પણ હુકમમોરબી : મોરબીમાં પોકસો કોર્ટે એક જ દિવસમાં પોકસોના બે મોટા ધાક બેસાડતા ચુકાદાઓ જાહેર કર્યા છે. જેમાં એક કેસમાં આરોપીને આજીવન કેદની સજા તો બીજા કેસમાં 20 વર્ષની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ સાથે બન્ને ભોગ બનનારને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.પ્રથમ કેસની વિગત જોઈએ તો સાહીલભાઈ ઈલીયાસભાઈ કટીયા ઉ.વ.21 રહે. વીસીપરા રોહીદાસપરા મેઈન રોડવાળાએ તા.9/10/2023ના રોજ સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી મોરબીથી વાંકાનેર અને રાજકોટ તથા અમદાવાદ, મુંબઈ ટ્રેનમાં લઈ અમદાવાદથી રાજકોટ આવતા ટ્રાવેલ્સની બસમા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. બીજા કેસમાં કિશન કાન્તીભાઈ પાણખાણીયા ઉ.વ.29 રહે. પટેલવાડી શેરી નં. 8, જડેશ્વર મંદીર સામેની શેરી, જામનગર વાળો મોરબીની સગીરાને તા.29/09/2023ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ધમકી આપી અપહરણ કરી જામનગર મુકામે લઈ ગયો હતો. જ્યાં સગીરા ઉપર જાતીય હુમલો અને ઉગ્ર પ્રવેશ જાતીય હુમલા કરી તા. 5/10/23 ના રોજ જામનગર ખાતે કિષ્ના ટ્રાવેલ્સમાં બેસાડી દઈ રેઢી તરછોડી દીધી હતી. આ અંગે મોરબી સિટી એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.બન્ને કેસમાં ભોગ બનનાર સગીરાને રૂ.4 લાખ તેમજ આરોપી પાસેથી દંડ પેટે રૂ.35 હજાર વસૂલીને કુલ રૂ.4.35 લાખ વળતર પેટે ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળને હુકમ કરવામાં આવ્યો છે. આ બન્ને કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન.ડી.કારીયા રોકાયેલ હતા.