મોરબી જિલ્લાની તાલુકા પંચાયત પેટા ચૂંટણી સંદર્ભે જાહેરનામા પ્રસિદ્ધ મોરબી : મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવું પડશે મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી. ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો-નિશાનીઓ લખવા પર નિયંત્રણ લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. આ જાહેરનામા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઇ પણ મિલ્કત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. કોઇ પણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકસાન કરવુ નહીં કે કરવા દેવુ નહીં. જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરી કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..