સ્થાનિકોએ સાવચેતી રાખતા ચોર ટોળીનો એક સાગરીત ઝડપાયો : બેની શોધખોળ જારી મોરબી : મોરબીથી માળીયા જતા હાઇવે પર વાહનોમાંથી બેટરી તેમજ ડીઝલની ચોરી કરતા એક શખ્સને લોકોએ રંગે હાથ પકડી તાલુકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના માળીયા હાઇવે પર આવેલ ટીંબડી ગામ નજીક આવેલી ટ્રાન્સપોર્ટરોની ઓફીસ પાસે ટ્રક અને ટ્રેલરો પાર્ક કરેલા હોય ત્યાં ચોરીના બનાવો વધ્યા હતા. આથી ટ્રાન્સપોર્ટરોએ ચોકસી રાખતા બે દિવસ પહેલા મધરાત્રે એકાદ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સોને ખાંખાખોળા કરતા હોય પડકાર્યા હતા. આથી બે શખ્સો નાસી ગયા હતા જ્યારે એક ઝડપાઇ ગયો હતો. તપાસ કરતા ટ્રકોમાંથી ત્રણ બેટરીઓ ઉતારીને છકડામાં ભરવાની તૈયારી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ડીઝલ ટેન્કમાં પ્લાસ્ટિકની નળી મૂકી ડીઝલ ચોરી કરવામાં આવતું હોવાનું પણ સ્પષ્ટ થયું હતું. બનાવની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસે આરોપીનો કબજો લઈ વધુ પૂછપરછ કરતા ઝડપાયેલો શખ્સ સમાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. નાસી છૂટેલા બે શખ્સોને ઝડપવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.