બટાટા અને ડુંગળીના ભાવમાં જબરો વધારો, લીંબુના ભાવ ઘટ્યા : દૂધી,કાકડી,મરચા અને કોથમરીના ભાવમાં બમણા કરતા પણ વધુ વધારો થઇ જતા ગૃહિણીઓમાં દેકારો મોરબી : ઓણસાલ જૂન મહિનો વીતવા છતાં વરસાદ ન વરસતા તેની સીધી જ અસર શાકભાજીના ભાવ પર પડી છે. મોરબીની શાક માર્કેટમાં છેલ્લા એક જ અઠવાડિયામાં જ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. બટાટા અને ડુંગળીથી લઈને લીલા શાકભાજીના છૂટક ભાવમાં બમણાથી વધુ ભાવ વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે અને સામાન્ય માણસના માસિક બજેટ પર અસર જોવા મળી રહી છે.ગુજરાત તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર શાકભાજીના પુરવઠા પર પડી છે.મોરબીની બજારમાં અઠવાડિયા પહેલા ૧૮ થી ૨૦ રૂપિયે કિલો મળતા બટાટાના ભાવ હવે ૨૫ થી ૩૦ રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે ડુંગળી ૨૦-૨૫ થી વધીને સીધી ૩૫-૪૦ રૂપિયે પહોંચી છે. લીલા શાકભાજીમાં સૌથી વધુ ભાવવધારો જોવા મળ્યો છે. કોબીચ ૩૦-૪૦ થી વધીને ૬૦-૭૦, ફુલાવર ૭૦-૮૦ થી ૧૦૦-૧૨૦, ગુવાર ૮૦-૧૦૦ થી ૧૨૦ અને કાકડી ૬૦-૮૦ થી સીધી ૧૦૦ રૂપિયે કિલો પહોંચી ગઈ છે. આ સિવાય વટાણા ૨૦૦ રૂપિયા કિલોગ્રામ અને આદુ ૨૨૦ રૂપિયા કિલોના ભાવ થયા છે. સાથે જ મરચાં ૯૦-૧૦૦રૂપિયા, કોથમરી ૧૦૦-૧૨૦ રૂપિયા દૂધી ૩૦-૫૦ રૂપિયા સુધી પહોંચી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.જો કે, શાકભાજીના ભાવમાં આકરા ભાવ વધારા વચ્ચે ટમેટાના ભાવ ૬૦ રૂપિયા પર સ્થિર રહ્યા છે. આ ઉપરાંત અગાઉ ૨૦૦ રૂપિયે કિલો વેચાતા લીંબુના ભાવ ઘટીને ૭૦-૮૦ રૂપિયા થઈ ગયા છે, જ્યારે ચોળીના ભાવ પણ ૨૦૦ રૂપિયાથી ઘટીને ૧૫૦ રૂપિયા થયા છે.એકંદરે, શાકભાજીના આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય વર્ગના લોકોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થવા લાગ્યા છે. આ સંજોગોમાં અનેક ઘરોમાં શાકભાજીને બદલે અઠવાડિક મેનુમાં કઠોળને સ્થાન મળવા લાગ્યું છે.