૨૦ ફેબ્રુઆરી - 'વિશ્વ સામાજિક ન્યાય દિવસ' : વર્ષ ૨૦૨૫ની થીમ છે “એમ્પાવરિંગ ઇન્ક્લુઝન: બ્રીજીંગ ગેપ્સ ફોર સોશિયલ જસ્ટિસ”મોરબી : વિશ્વમાં વસતાં પ્રત્યેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ ૨૦૦૭માં સમાનતાના કેન્દ્રવર્તી વિચાર સાથે ૨૦મી ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૦ ફેબ્રુઆરીએ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સામાજિક અખંડિતતાને ટેકો આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’નો ઇતિહાસસંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ ૨૬ નવેમ્બર, ૨૦૦૭ના રોજ જાહેરાત કરી હતી કે, દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીને “સામાજિક ન્યાય માટે વિશ્વ દિવસ” તરીકે ઉજવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ દિવસની શરૂઆત માનવતા માટે જોખમી સમસ્યાનો સામનો કરવા માટે કરી હતી. તેનો હેતુ સમાનતા ફેલાવીને અન્યાય અને ભેદભાવને નાબૂદ કરવાનો છે. વિશ્વ સામાજિક ન્યાય દિવસની વર્ષ ૨૦૨૫ની થીમ “એમ્પાવરિંગ ઇન્ક્લુઝન: બ્રીજીંગ ગેપ્સ ફોર સોશિયલ જસ્ટિસ” (Empowering Inclusion: Bridging Gaps for Social Justice) છે. જેનો અર્થ સમાજમાં દરેક પ્રકારની સમાનતા માટે વિવિધ તકો પૂરી પાડવાનો છે. ભારતના બંધારણમાં ધર્મ, જાતિ, ભાષા, જ્ઞાતિ અને લિંગ ભેદભાવથી અંતર જાળવી સામાજિક ન્યાય પ્રક્રિયાના માળખાની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોને શિક્ષણ, પાયાની સવલતો, રોજગારી મળી રહે તેવા સ્ત્રોતોનું સર્જન તથા તેના માટે બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવે છે. સામાજિક ન્યાય દિવસ પર જાતિવાદ અને ઊંચ-નીચના બંધનો દૂર કરીને આ દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવીએ, તેમજ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે વિકાસપથ પર આગળ વધીએ.