27 ઓગસ્ટે સંવત્સરી, 28મીએ પારણા અને 29 ઓગસ્ટે ભગવાનની શોભાયાત્રા નીકળશેમોરબી શહેરના 7 દેરાસરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનમોરબી : જૈન સમાજના પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના જુદા-જુદા 7 દેરાસરોમાં પર્યુષણ પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મથી લઈ મોક્ષ સુધીના ઘટનાક્રમનું વાંચન સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં ત્રીજા દિવસે કલ્પસૂત્રની પધરામણી બાદ વાંચન, બારસા સૂત્ર વાંચન અને મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકનું વાંચન થશે. સાથે જ તારીખ 27 ઓગસ્ટે સંવત્સરી બાદ તપસ્વીઓના પારણા અને ત્યાર બાદ ભગવાનની શોભાયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્યા છે.જૈન સમાજના પર્યુષણ પર્વના પ્રારંભે મોરબી શહેરમાં દરબારગઢ, રીલીફનગર, શક્તિ પ્લોટ, વાવડી રોડ, હાઉસિંગ બોર્ડ, નરસંગ ટેકરી અને શોભેશ્વર રોડ જૈન દેરાસર ખાતે પર્યુષણ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેમાં કલ્પસૂત્રની પધરામણી, કલ્પસૂત્ર અર્પણ, બારસા સૂત્રનું વાંચન, ભગવાનશ્રી મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવશે જેમાં સમગ્ર મોરબી શહેરના જૈન સમાજના લોકો આસ્થાભેર જોડાશે. સાથે જ આગામી તા.27ના રોજ સંવત્સરીના દિવસે પાપનું પ્રયાશ્ચિત કરવામાં આવશે.વધુમાં પર્યુષણ પર્વ અંતર્ગત તા.28ના રોજ તપસ્વીઓને પારણા કરાવવામાં આવશે અને ત્યાર બાદ બીજા દિવસે ભગવાન મહાવીરસ્વામીની શોભાયાત્રા યોજાશે.