રિવાબા જાડેજાએ મોરબી યાર્ડમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો, ટીંબડી પ્રાથમિક શાળાની લીધી સરપ્રાઈઝ મુલાકાત, 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈમોરબી અપડેટઃ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજ રોજ મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીંબડી પ્રાથમિક શાળાની તેઓએ આકસ્મિક મુલાકાત લીધી હતી અને 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.મોરબી યાર્ડમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભમોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ને ખુલ્લું મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વિધિવત રીતે 'પ્રાકૃતિક કૃષિ હાટ'નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ માર્કેટિંગ યાર્ડ પરિસરમાં કાર્યરત 'સરિતા ફાર્મ' પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા વિવિધ કૃષિ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ખેડૂત અશોકભાઈ મોરડીયાએ મંત્રીને પ્રાકૃતિક ઉત્પાદનો અને તેની વિવિધ વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મંત્રીએ ખેડૂતો અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને વધુ ને વધુ અપનાવવા અને વેગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો. આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિંકલબેન અઘેરા, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા સહિત વિવિધ પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, પ્રગતિશીલ ખેડૂતો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રિવાબા જાડેજાએ ટીંબડી પ્રાથમિક શાળાની સરપ્રાઈઝ મુલાકાત લીધીમંત્રી રિવાબા જાડેજાએ મોરબી તાલુકાના ટીંબડી સ્થિત પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને માળખાકીય સુવિધાઓની ઝીણવટભરી નિરીક્ષણ કામગીરી હાથ ધરી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન તેમણે શાળાના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા તપાસી હતી અને તેમની સાથે સહજ સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત તેમણે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર રૂમ તેમજ બાળકો માટે તૈયાર થતા મધ્યાહન ભોજનના રસોડાની સ્વચ્છતા અને પૌષ્ટિકતાની રૂબરૂ સમીક્ષા કરી હતી. મંત્રીએ શાળાના મેદાનની સાથે સાથે શાળામાં પ્રગતિ હેઠળના નવા વર્ગખંડોના નિર્માણ કાર્યની પણ મુલાકાત લઈ નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. શાળાના વડા અને શિક્ષકોને પ્રોત્સાહિત કરતા મંત્રીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અભિગમ સાથે ઉત્કૃષ્ટ શિક્ષણ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા ભાર મૂક્યો હતો.'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ધરમપુર સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ત્રણેય સ્પર્ધાઓમાં અંદાજિત 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળ-પ્રતિભાઓને મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રકલ્પો થકી ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં લીડ લઈ રહ્યું છે. શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી પરંતુ સાચા અને ખોટાનો ભેદ સમજાવે તે સાચું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોમાં કૌશલ્ય, મૂલ્યો અને સર્જન શક્તિનો વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે નવયુવાનો તમામ ક્ષેત્રે આગળ આવી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની સુષુપ્ત શક્તિઓ ઓળખી ભારતની વિકાસયાત્રામાં સહભાગી બનવાનું સશક્ત માધ્યમ પૂરું પાડે છે.આ કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ઘરચર, શિક્ષણ સમિતિના ચેરમેન રિંકલબેન અઘેરા, કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.