દ્વારકા ખાતે ભવ્ય રાસોત્સવ, ધ્વજાજી પૂજન, ધ્વજાજીના સામૈયા જેવા વિવિધ પ્રસંગો યોજવામાં આવશે મોરબી : સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ તથા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા હડમતીયાના ઠાકરની ધ્વજાજી તા. 27ને શુક્રવારે જગત મંદિર દ્વારકાધીશને ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ વખત દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ધ્વજારોહણ કાર્યક્રમ નિમિત્તે તા. 26 ને રાત્રે 9 કલાકે સનાતન સેવા મંડળ વાડી, પોલીસ સ્ટેશન રોડ, દેવભૂમિ દ્વારકા ખાતે રંગારંગ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં ગોવિંદ ગઢવી, ગોપાલ ભરવાડ, મોતીભાઈ ભરવાડ એન્ડ ગૃપ ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ તા. 27 ને શુક્રવારે સવારે 6:30 કલાકે ધ્વજાજી પૂજન, સવારે 8:30 કલાકે ધ્વજાજી સામૈયા તેમજ જય દ્વારકાધીશના નાદ સાથે સવારે 10:30 કલાકે ધ્વજાજી આરોહણ કરવામાં આવશે.ધ્વજાજી ઉત્સવ પ્રસંગે બપોરના 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં અનેક સંતો- મહંતો,મહેમાનો તેમજ સમાજના 3 થી 4 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં હડમતીયા, થાન, મોરબી, રાજકોટ જેવા વિવિધ જીલ્લા અને તાલુકામાંથી આવતા સમાજના લોકો માટે અને સિનિયર સિટીઝન્સ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સમાજના આ ભવ્ય ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા મહંત મેહુલદાસજીબાપુ કેશવદાસજીબાપુ- હડમતીયા તેમજ નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.