વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે આજે સીએનજી રિક્ષામાં દારૂની હેરફેર કરતા ચાલકને 20 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.જોકે પોલીસની રેડ દરમિયાન અન્ય આરોપી નાસી છૂટ્યો હતો. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજાની સૂચનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ, ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના આજે વાંકાનેર બાઉન્ડરી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે સમયે ત્યાંથી નીકળેલી જી.જે.03 બી.યુ.4330 નંબરની રીક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી 20 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.આથી પોલીસે સીએનજી રિક્ષાના ચાલક વિશાલભાઈ પ્રેમજીભાઈ વાઢેરની દારૂ,મોબાઈલ અને રીક્ષા મળીને કુલ રૂ.60 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.આ રેડ દરમિયાન વિજયભાઈ રણછોડભાઈ કોબીયા નામનો શખ્સ નાસી છૂટતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.