કાસ્યના સ્ટેચ્યૂમાં આખલાના પેટનો ભાગ ગાયબ થઈ ગયો, પ્રતિમામાં ફાઉન્ડેશન પર પથ્થરો મળ્યામોરબી : રજવાડી નગરી મોરબીમાં ટીખળખોરો કોઈને કોઈ હરક્ત કરી શહેરની ગરિમાને લાંછન લગાડી રહ્યા છે ત્યારે અગાઉ કોર્પોરેશને મયુર પુલ પર લગાવેલ આઈ લવ મોરબીના સેલ્ફી સ્ટ્રક્ચરમાં નુકસાન કર્યા બાદ હવે ઐતિહાસિક પાડાપુલ પર મૂકાયેલ બે આખલા પૈકીના એક આખલાના પેટના ભાગે તોડફોડ કરી સ્ટેચ્યૂ ખંડિત કરી નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.મોરબીના રાજવી પરિવારે વર્ષ 1880મા બંધાવેલ સામાકાંઠા વિસ્તારમાં જવા માટેના ઐતિહાસિક પાડાપુલના (આખલા પુલ) વચ્ચેના ભાગમાં કાસ્યમાંથી બનેલી બે આખલાની પ્રતિમા મૂકી છે. અંદાજે 145 વર્ષ જૂની આ પ્રતિમા આજે પણ અડીખમ ઉભી છે ત્યારે કોઈ ટીખળખોરોએ આ આખલાના પેટના નીચેના ભાગમાં તોડફોડ કરી નુકશાન પહોચાડી શહેરની ઐતિહાસિક ધરોહરને હાનિ પહોંચાડી હતી. આખલાના ફાઉન્ડેશ પર પથ્થર પણ જોવા મળ્યાં હોય કોઈ અસામાજિક તત્વોએ પથ્થર વડે સ્ટેચ્યુને નુકશાન કર્યાનું ફલિત થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પુલ પર આખલાની પૂંછડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.તપાસ કરી પ્રતિમાને રીપેર કરવામાં આવશે : માર્ગ અને મકાન વિભાગમોરબીના ઐતિહાસિક પાડાપૂલ પર આખલાની કાસ્યની બનેલી પ્રતિમાને નુકસાન થવા અંગે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર હિતેશ અદ્રોજાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, બનાવ અંગે તપાસ કરી પ્રતિમામાં કેટલું નુકશાન થયું છે તેની ચકાસણી બાદ સ્ટેચ્યૂ રીપેર કરવા કાર્યવાહી કરવામાં આવશે.