જુથના ડેલા તેમજ લીલપર આવાસમાંથી લાખોનો ભંગાર ચોરવાની ઘટના છતાં કોર્પોરેશન બોધપાઠ નથી લેતું : ભંગાર ચોરાઈ જશે તો જવાબદાર કોણ ? મોરબી : મોરબી મહાનગર પાલિકા તંત્રની લાપરવા નીતિ અને કચેરીની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. તાજા ભૂતકાળમાં જ મોરબી કોર્પોરેશનના જૂથના ડેલામાંથી તેમજ લીલાપર આવાસ યોજનામાંથી લાખો રૂપિયાનો ભંગાર ચોરી થઇ ગયો હોવા છતાં હજુ પણ આવી ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે કોર્પોરેશનના રોશની વિભાગે ચોરને આમંત્રણ આપી લાખોની કિંમતનો ઇલેક્ટ્રિકનો સમાન કચેરીના પ્રાંગણમાં રેઢો મૂકી દેતા કોર્પોરેશન તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.મોરબી મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલ પાડી નવી કચેરી બનાવવાની કામગીરી શરૂ કરી હોવાથી ટાઉનહોલમાં બેસતા રોશની વિભાગને હાલમાં નવી કચેરીમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. જો કે, સ્થળાન્તર બાદ રોશની વિભાગ પાસે રહેલ વાયર, પેનલ, સ્ટ્રીટ લાઈટ સહિતની અનેક નવી અને જૂની ચીજવસ્તુઓ હાલમાં નવી કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની નવી કચેરી નીચે કેન્ટીનમાં જ લાઈટ વિભાગના સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ કિંમતી સમાન લોક એન્ડ કીમાં રાખવાને બદલે છેલ્લા ચાર-પાંચ દિવસથી લાઈટો વાયર અને એંગલ સહિતની વસ્તુઓ જેમની તેમ પડી છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા જૂથના ડેલામાંથી સામાનની ચોરી થઈ હતી. ઉપરાંત લીલાપર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાના હોલમાંથી પણ લાખો રૂપિયાની કિંમતની સ્ટ્રીટ લાઈટોના ભંગારની ચોરી થયાની ઘટના બની હોવા છતાં મહાપાલિકાની બેદરકારી યથાવત છે.ચિંતાની અને ચોંકાવનારી બાબત એ છે કે,ઇલેક્ટ્રિક સામાન જ્યાં રેઢો પડ્યો છે ત્યાં પાછળની બાજુએ આવેલી દીવાલ અત્યંત નીચી છે, જેથી કોઈ પણ વ્યક્તિ આસાનીથી કૂદીને અંદર પ્રવેશી શકે છે. દિવસ દરમિયાન અહીં લોકોની ચહલપહલ હોય છે, પરંતુ રાત્રિના સમયે અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોય કિંમતી ચીજવસ્તુઓ ચોરી થવાની આશંકા સેવાઈ રહી છે.