આખ્યાનમાં રામપીરનું પાત્ર ભજવતા ભુવા પર ચારિત્ર્ય હનનના આક્ષેપો : યુવતીની છેડતી બાબતે અગાઉ લખધીરપુરમાં ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો મોરબી : પાછલા ૧૭ વર્ષોથી ધરમના નામે ધતિંગ કરતા વજેપરના એક ભુવાને જન વિજ્ઞાન જથ્થાએ ફરિયાદના અધારે પોલીસને સાથે રાખી ખુલ્લો પાડ્યો હતો. દવા વગર રોગ મટાડવા, ભૂત-પ્રેત, ડાકણ, જિન્નાત વગેરેનો વળગાડ દૂર કરવા દોરાધાગા કરવા, દાણા જોવા જેવી ભ્રામકતા ફેલાવતા અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી લોકોને ડરાવવા સહિતના કર્યો કરતા ભુવાને જાથાની ટીમે ખુલ્લો પાડ્યો હતો. પોતાની ભૂલ સ્વીકારીને આજથી આ ધતિંગ લીલા બંધ કરવાની હાથ જોડીને લેખિત ખાત્રી આપતા આખરે ૧૭ વર્ષથી ચાલતી આ પાખંડનો અંત આવ્યો હતો. બનાવની વિગતો અનુસાર પાછલા ૧૭ વર્ષથી મોરબીના વજેપર વિસ્તારમાં રામપીરનું સ્થાનક ઉભું કરીને ધર્મના નામે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરતા બાબુ રાજા કંઝારીયા નામના શખ્સ વિરુદ્ધ જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને ફરિયાદ મળી હતી. રંગીન મિજાજ ધરાવતો ભુવો રામપીરના નામે લોકોને ડારાવવાનું કામ કરતો હતો. ભૂત-પ્રેત, વળગાડ, દોરાધાગા, બીમારી મટાડી દેવા માટે ધર્મના નામે દાવાઓ કરતો હતો. આ કહેવાતો ધર્મનો પ્રચારક ભુવો આખ્યાનમાં રામાપીરનુ પાત્ર ભજવી પોતાની ભ્રામક આભા ઉભી કરી પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરી લોકોને વિશ્વાસમાં લેતો. ત્યાર બાદ તેના પ્રભાવમાં આવી જનાર લોકો પાસેથી મન મરજી મુજબનું કાર્ય કરાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જન વિજ્ઞાન જાથાને આ ભુવા દ્વારા પીડિત એક પરિણીતાની ફરિયાદ મળતા જાથાએ મોરબી એ.ડીવી. પોલીસના સ્ટાફને સાથે રાખી વજેપરમા આવેલા બાબુએ સ્થાપેલા રામપીરના સ્થાનકમાં રેડ કરી હતી. પોલીસ સાથે જાથાએ રેડ કરી હોવાની જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા. પણ પોલીસ તથા જાથાની પ્રારંભિક પૂછપરછમાં જ બાબુ રાજા કંઝારીયાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને પરિવાર સહિત માફી માંગવાનું શરૂ કરી દેતા પોલીસ બાબુ રાજાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં વિસ્તૃત પૂછપરછમાં પોતા પાસે કોઈ શક્તિ નથી અને તેના દોરાધાગાથી કોઈને ફાયદો થતો ન હોવાનું સ્વીકાર્યું હતું. જાથા અને પોલીસ સમક્ષ હાથ જોડી માફી માંગી અને પીડિત પરિણીતાના પગે પડી તેની ભૂલ સ્વીકારતા લેખિત બાંહેધરી આપી હતી કે આજે અત્યારથી જ હું મારી આ ધતિંગ લીલા સંકેલી લઉ છું અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનો ભ્રામક પ્રચાર નહીં કરું. આથી પ્રાથમિક કાર્યવાહી બાદ બાબુ રાજાનો નાલેશીભર્યો છુટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લખધીરગઢ ખાતે યુવતીની છેડતી મામલે ગ્રામજનોએ આ ભુવાને મારી મારીને ગામમાંથી ખદેડ્યો હતો.