મોરબી અપડેટ (ડો. ભાવેશ જેતપરિયા) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતની ધરતી પર બે પવન એકસાથે વાતા હતા. એક તરફ અંગ્રેજી શિક્ષણની હવા અને બીજી તરફ સુધારાવાદી ચળવળની સુગંધ. એ જ સમયે મોરબીના એક સામાન્ય ઘરમાં માતા અંબા પોતાના બાળકને ખોળામાં લઈને ધ્રુવની અડગતા અને નચિકેતાના ત્યાગની વાતો કહેતા હતા. એ બાળકનું નામ હતું વાઘજી આશારામ ઓઝા. જન્મ 1850. કોઈને કલ્પના પણ ન હતી કે માતાની લોરીમાંથી ઊછરતો આ છોકરો એક દિવસ આખી ગુજરાતી રંગભૂમિનો નકશો બદલી નાખશે.વાઘજીનું બાળપણ સંસ્કારની છાયામાં વીત્યું. મોરબીનરેશ ઠાકોર વાઘજીબાપુ દ્વારા શિષ્યવૃત્તિ મળી એટલે મેટ્રિક સુધી ભણ્યા. પછી શિક્ષક બન્યા. રાજકુમારોને ભણાવવાનો અવસર મળ્યો. પણ વર્ગખંડની ચાર દીવાલોની અંદર એમનું મન બંધાતું ન હતું. એમની આંખો હંમેશા મંચ, પડદા અને પ્રેક્ષકોને શોધતી રહેતી. એક દિવસ મોરબીમાં 'રામભાઉ નાટકમંડળી'નું નાટક જોવા ગયા. પાછા આવીને મિત્રોને કહ્યું 'આ નાટક જ નથી, આ તો ઠઠ્ઠામશ્કરી છે'. આ વાત મોરબીનરેશ સુધી પહોંચી. મહારાજાએ સીધું જ કહ્યું 'જો તને નથી ગમતું તો તું જ લખી બતાવ'. બસ એ એક વાક્યમાંથી ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના સૌથી મોટા શિલ્પીનો જન્મ થયો.આ પહેલા ગુજરાતમાં ભવાઈની સદીઓ જૂની પરંપરા હતી, જેનાં મૂળ ચૌદમી સદી સુધી જાય છે. મંદિરો અને દરબારોમાં સંસ્કૃત નાટકો થતા, પણ એ સામાન્ય જનતા સુધી ન પહોંચ્યા. બ્રિટિશ સમયમાં વિદેશી ઓપેરા અને થિયેટર જોઈને પારસીઓએ પોતાના ફરતા જૂથો બનાવ્યા. ગ્રીક કોમેડી 'પ્લુટસ'માંથી અસર ઝીલીને ૧૮૫૦માં દલપતરામે 'લક્ષ્મી' નામનું પહેલું ગુજરાતી નાટક આપ્યું. પછી ૧૮૫૨માં સુરતમાં શેક્સપિયરનો ખેલ ગુજરાતીમાં ભજવાયો. પારસી નાટક મંડળીએ શરૂઆતમાં ઉર્દૂ અને અંગ્રેજી ભળેલી ગુજરાતી વાપરી, ભવાઈના જમીન પરના ખેલને બદલે ઊંચા પ્લેટફોર્મવાળા મંચ અને પડદા દાખલ કર્યા. દલપતરામે પાછળથી ભવાઈમાંથી અસંસ્કારી તત્ત્વો ઘટાડવા અને ભાષા શુદ્ધ કરવા માટે પણ પ્રયાસો કર્યો.ધીમે ધીમે ગુજરાતી વિષયો વધ્યા અને રંગભૂમિ પોતાની આગવી ઓળખ બનાવતી ગઈ. ૧૮૭૮માં મોરબીમાં મૂળજી અને વાઘજી બંધુઓએ 'આર્ય સુબોધ નાટક મંડળી' સ્થાપી અને 'ભરથરી' નાટકથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નામ કમાયા. ભવાઈ, પારસી રંગભૂમિ અને પશ્ચિમી નાટ્યશાસ્ત્રનાં તત્ત્વોને ભેળવીને ગુજરાતી રંગભૂમિએ પોતાનો રંગ જમાવ્યો એમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામનું ઐતિહાસિક અર્પણ રહ્યું છે.ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ જોઈએ તો આપણે જેને રંગઉપવન કે નાટ્યગૃહના નામથી ઓળખીએ છીએ. એનું મૂળ ઘર મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાં છે, ખાસ કરીને મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં. જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસ્યા ત્યાં ત્યાં એ પહોંચી, અને આજે તો ઉત્તર અમેરિકા સુધી એના મંચ ગોઠવાય છે. આખી યાત્રાનો પહેલો માઇલસ્ટોન ૨૯ ઓક્ટોબર ૧૮૫૩નો છે. એ દિવસે મુંબઈના ગ્રાન્ટ રોડ થિયેટરમાં પારસી નાટક મંડળીએ 'રુસ્તમ સોહરાબ' ભજવ્યું. ફારસી મહાકાવ્ય પરથી ઉતારેલું એ નાટક ગુજરાતી ભાષામાં પહેલીવાર મોટા મંચ પર આવ્યું અને રંગભૂમિનો પાયો નંખાયો.1878માં વાઘજીએ 'મોરબી આર્ય સુબોધ નાટકમંડળી' સ્થાપી. નામમાં જ એમનો મંત્ર હતો. આર્ય એટલે ઉચ્ચ, સુબોધ એટલે સહેલાઈથી સમજાય એવું. એમણે નક્કી કર્યું કે નાટક માત્ર મનોરંજનનું સાધન ન બને. એ સમાજનો અરીસો બને. એમાં હાસ્ય હોય પણ સાથે નીતિ હોય. એમાં સંગીત હોય પણ સાથે સંસ્કાર હોય.પહેલો પ્રવેશ પૌરાણિક ભૂમિ પર પડ્યો. વાઘજી આશારામની કલમ સૌથી પહેલા પુરાણ તરફ ગઈ. ઈ.સ. 1878માં 'સીતાસ્વયંવર' લખ્યું અને 1880માં ભજવ્યું. સીતાના સ્વયંવરને પહેલીવાર સાચાં નાટ્યરૂપમાં લોકો સામે મૂક્યું. પછી એક પછી એક 'રાવણવધ', 'ઓખાહરણ' 1880માં આવ્યાં. 'ચિત્રસેન ગંધર્વ' અને 'પૃથુરાજ રાઠોડ' 1881માં રજૂ થયાં. પણ તેમની ખરી ઓળખ આપી 'ભર્તૃહરિ' નાટકે. 1880માં ભજવાયેલું આ પાંચ અંકનું સંગીતપ્રધાન નાટક. 'રાજા ભરથરી' જે સર્વસ્વ છોડીને વૈરાગી બને છે. એ પાત્ર ભજવ્યું એમના જ્યેષ્ઠ બંધુ મૂળજી આશારામ ઓઝાએ.તેમનાં નાટકોને અમર બનાવ્યા કલાકાર તેમના જ જયેષ્ઠ બંધુ મૂળજી આશારામે. તેમણે ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’થી રંગમંચ પર આવ્યા અને તરત જ પ્રેક્ષકોના હૃદયના નાયક બની ગયા. એમની ઓળખ જ બની ગઈ. 1880માં ‘ભર્તૃહરિ’ નાટકમાં રાજપાટ ત્યાગીને વૈરાગી બનતા રાજાનું પાત્ર એવું ભજવ્યું કે આખું થિયેટર ડૂસકે ચડી જતું. પગમાં સોનાનો તોડો પહેરીને જ્યારે એ ‘હું રાજા નહીં, હું તો ભિખારી છું’ ગાતા, ત્યારે કહેવાય છે કે કેટલાક દર્શકો ખરેખર ઘરબાર છોડીને સાધુ થવા લાગ્યા. એ પછી એ ‘ભરથરી’ના નામે જ ઓળખાયા. ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ, ‘રાણકદેવી’માં સિદ્ધરાજ, ‘ત્રિવિક્રમ’માં સુભટસેન, ‘ચંદ્રહાસ’માં કૌતલરાય, ‘વીરબાળા’માં જયસિંહ, ‘દેવયાની’માં કમલાકર, ‘સતી અનસૂયા’માં ઇન્દ્ર, ‘સુકન્યા-સાવિત્રી’માં યયાતિ — દરેક પાત્રમાં એ નવો જન્મ લેતા. ભાવ, અવાજ અને દેહની અભિનયથી એ પાત્રને જીવંત કરી દેતા.મૂળજીભાઈ માત્ર અભિનેતા નહીં, એક ઉત્તમ દિગ્દર્શક અને મુત્સદ્દી કલાકાર પણ હતા. એમણે અનેક નવા અભિનેતાઓને ઘડ્યા. ત્રંબક, લવજી સુરદાસ, પ્રાણશંકર આચાર્ય, અલારખા મીર, ગોવિંદજી ભટ્ટ જેવા અનેકોએ એમની પાસેથી નટકલા શીખીને પોતાની મંડળીઓ સ્થાપી. થોડાં નાટકો એમણે લખ્યાં પણ ખરા, અને એમના દિગ્દર્શન હેઠળનાં નાટકો મુંબઈ અને વડોદરાના મંચો પર ખાસ્સા ગુંજ્યા. લઘુબંધુએ કલમથી સમાજને અરીસો બતાવ્યો અને મૂળજીએ અભિનયથી એ અરીસાનું સત્ય જીવંત કર્યું. આ બે બંધુઓએ મળીને સંસ્કારલક્ષી નાટકો આપીને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ વધાર્યું. આજે પણ જ્યારે મંચ પર ભરથરી વૈરાગ્યનું પદ ગવાય છે, ત્યારે મોરબીના એ શિલ્પી મૂળજીભાઈનું સપનું જીવતું થાય છે. વાઘજીની કલમ અને મૂળજીના અભિનયે મળીને ગુજરાતને પહેલીવાર એવું નાટકો આપ્યા જે માત્ર જોવાનું હતું અને જીવવાનું પણ હતું.બીજો પ્રવેશ ઐતિહાસિક શૌર્યનો હતો. વાઘજી જાણતા હતા કે લોકોને ભક્તિ સાથે વીરતા પણ જોઈએ. એટલે એમણે ઇતિહાસનાં પાત્રોને ઉઠાવ્યાં. 'પૃથુરાજ રાઠોડ' 1881, 'કેસરસિંહ પરમાર' 1886, 'રાજસિંહ' 1892, 'સતી રાણકદેવી' 1892. દરેક નાટકમાં રાજપૂતી શાન અને બલિદાનની...