ગ્રામજનો પાસેથી ફરજિયાત ટોલ વસૂલી અને પોલીસ કેસની ધમકી અપાતી હોવાની રાવ, 3 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો જાતે નવો રસ્તો બનાવી આંદોલન કરવાની ચીમકી સાથે પ્રાંતને આવેદનવાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા અને જુના વધાસિયા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવાયેલ ટોલ બૂથને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટોલ પ્લાઝાના મેનેજર અને કર્મચારીઓ દ્વારા થતા ગેરવર્તન અને ગામના રસ્તે ગેરકાયદેસર ટોલ ઉઘરાણીના વિરોધમાં સમસ્ત ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે અને કાયમી ઉકેલની માંગ કરી છે.ખેતરે જવા 3 કિમી રોંગ સાઈડ ચાલવું પડે છે, અકસ્માતનો સતત ભયઆવેદનમાં જણાવ્યા મુજબ, નેશનલ હાઈવેથી નવા અને જુના વધાસિયા ગામમાં જવાના રસ્તે કાર્યરત ટોલ બૂથ રદ કરવાની અને હાઈવેથી વાંકાનેર તરફ જવા માટે વચ્ચે ડિવાઈડરમાં કટ મૂકવાની માંગ કરવામાં આવી છે. હાઈવેની પૂર્વ દિશાએ ગ્રામજનોની આશરે 4000 વીઘા ખેતીની જમીન આવેલી છે, પરંતુ કટ ન હોવાથી ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે 2 થી 3 કિમી સુધી રોંગ સાઈડ વાહન ચલાવવું પડે છે. જે અત્યંત જોખમી છે અને જેના કારણે અકસ્માતોમાં અગાઉ ગામના લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમજ રોંગ સાઈડના કારણે પોલીસ દંડનો પણ ગ્રામજનોને સામનો કરવો પડે છે.સ્થાનિકો પાસેથી ફરજિયાત ટોલ વસૂલી અને પોલીસ કેસની ધમકીગ્રામજનોના જણાવ્યા અનુસાર 2500 થી 3000 ની વસ્તી ધરાવતા આ ગામના લોકોને ખેત મજૂરી, ખેતીકામ કે કોમર્શિયલ કામકાજ માટે દિવસમાં અનેકવાર પસાર થવું પડે છે. છતાં ટોલ મેનેજર દ્વારા સ્થાનિક વાહનો અને બહારગામથી આવતા મહેમાનોના વાહનો પાસેથી ફરજિયાત ટોલ ટેક્સ ઉઘરાવવાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. આ બાબતે મેનેજરને રૂબરૂ રજૂઆત કરવા જતા તેમના દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે અને ખોટા પોલીસ કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાય છે.ધાર્મિક સ્થળનો રસ્તો ભંગાર નાખીને બંધ કર્યોગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ટોલનાકાની બાજુમાં આવેલ મેલડી માતાજીના મંદિરનો રસ્તો પણ ટોલ પ્લાઝા દ્વારા સ્ક્રેપ (ભંગાર) નાખીને બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી જગ્યાનું ભાડું ન ચૂકવવું પડે તે માટે બળજબરીથી ધાર્મિક સ્થળની જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉત્સવ માટે પણ જગ્યા રહેવા દીધી નથી.3 દિવસનું અલ્ટીમેટમગ્રામજનોએ આવેદનના અંતમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 3 દિવસમાં સ્થળ પર આવીને આ પ્રશ્નનો નિવેડો નહીં લાવવામાં આવે, તો ગ્રામજનો સ્વેચ્છાએ અવરજવર માટે પોતાનો નવો રસ્તો બનાવી લેશે. તેમજ ટોલ મેનેજરના વર્તનનો ઉકેલ લાવી સુમેળભર્યું વાતાવરણ નહી સર્જાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.#MorbiUpdate #Wankaner #Vadhasiya #TollPlaza #HighwayAuthority #MorbiNews #FarmersIssue #Protest #GujaratNews