આરોગ્ય વિભાગે આવતીકાલ માટે એક પણ ડોઝ ન ફાળવતા સ્થાનિક તંત્રએ બચત કરેલા ડોઝ વાપરવાનું આયોજન ગોઠવ્યું મોરબી : મોરબી જિલ્લાને આવતીકાલે રવિવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા એક પણ ડોઝ ફાળવવામાં ન આવતા સ્થાનિક તંત્રએ 16 સ્થળોએ જ વેકસીન કેમ્પ ગોઠવી બચત કરેલા 880 ડોઝ વપરાશમાં લેવાનું આયોજન ઘડ્યું છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની ગાડી ટ્રેક ઉપર ઝડપભેર આગળ વધી રહી હતી. તેવામાં આવતીકાલ માટે અચાનક ઉપરથી બ્રેક લગાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે રવિવાર માટે મોરબી જિલ્લાને એક પણ ડોઝ ફાળવવામાં આવ્યો નથી. તેવામાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ અગાઉના બચેલા 880 ડોઝનો વપરાશ કરવાનો નિર્ણય લઈને કાલે રવિવારે 16 સ્થળોએ કેમ્પનું આયોજન કર્યું છે. બીજી તરફ આજના વેકસીનેશનની વિગતો જોઈએ તો આજે જિલ્લામાં કુલ 4404 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 45+ ઉંમરના 870 લોકોને અને 18થી 44 વર્ષના 3513 લોકોને રસી આપવામાં આવી હતી. સાથે 21 લોકોને ખાનગી રીતે રસી આપવામાં આવી હતી.