બોગસ ટોલરૂપી કરોડો ઓહિયા કરનાર વગદાર આરોપીઓ રાજકીય ઈશારે પકડાતા ન હોવાનો આરોપ, કોંગ્રેસએ કલેકટર અને એસપીને આવેદન આપી તત્કાળ આરોપીઓને ઝડપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરીમોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત વાંકાનેરના વઘાસિયા નજીકના નકલી ટોલનાકા કેસમાં ઘણા દિવસો થવા છતાં એકપણ આરોપીઓને પોલીસ પકડી ન શકતા આ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ભાજપની રહેમનજર હેઠળ આ વગદાર આરોપીઓએ બોગસ ટોલરૂપી કોરોડોનું કૌભાંડ કર્યા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયાને ઘણો સમય વીતવા છતાં ભાજપ અગ્રણી, ફેકટરીના માલિક સહિતના વગદાર આરોપીઓને રાજકીય ઈશારે પોલીસ પકડી ન શકતી હોવાનો આરોપ મૂકી આજે કોંગ્રેસએ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી તત્કાળ આરોપીઓને ઝડપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.કોંગ્રેસ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા કાંડમાં સૂત્રધારો સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અને વઘાસિયા પાસે આવેલ વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઇ જેરામભાઈ વાસજાળીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતના મોટા મહારથીઓ સામે ખુદ પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવ્યાને ઘણો સમય વીતવા છતાં આજદિન સુધી પોલીસ આ એકપણ આરોપીઓને પકડી શકી નથી.દરેક વખતે આ આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ હોવાની ડોળ કરતી પોલીસ પણ આરોપીઓને રાજકીય ઈશારે છાવરી રહી હોવાનો આક્ષેપ રજુઆતમાં કરાયો હતો. જો કે વચ્ચેના સમયગાળામાં બોગસ ટોલનાકાકાંડના ભાજપ અગ્રણી અને તેના ભાઈના આગોતરા જામીન કોર્ટે રદ કરતા ધરપકડનો માર્ગ મોકળો થયો હતો અને આરોપીઓ પર ભીંસ વધી એવું કહેવાતું હતું. પણ આજદિન સુધી આરોપીઓ આઝાદ ઘુમતા હોય અને પોલીસ એનો વાળ વાંકો ન કરી શકતા આ વગદાર આરોપીઓને પકડવામાં પોલીસને રાજકીય શહે શરમ નડતી હોવાના આક્ષેપ વચ્ચે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટર અને એસપીને આવેદન આપી ભાજપના ભ્રષ્ટ નેતાઓની રહેમનજર હેઠળ કોરોડો ઓહિયા કર્યાનો ગંભીર આક્ષેપ લગાવી તત્કાળ આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી છે.આ તકે કોંગ્રેસ આગેવાન રાજુભાઇ ચૌહાણ, બળવંતભાઈ વોરા, દામજીભાઈ મકવાણા, દેવેન્દ્રસિંહ જાડેજા, રવજીભાઈ સોલંકી,વિનુભાઈ તથા મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભાવનિક મુછડીયા સહિતના આગેવાનો રજુઆતમાં હાજર રહ્યા હતા.