વાવાઝોડા જેવી સ્થિતિમાં શ્રમિકોની સલામતીને પ્રાધાન્ય આપવા તાકીદમોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે તેજ તોફાની પવન સાથે કમોસમી વરસાદ વાવાઝોડાની જેમ ત્રાટકતા અનેક ઐદ્યોગિક એકમોમાં નુકશાન પહોંચ્યું હોવાથી જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત થયેલ એકમોને તાકીદે રીપેર કરવા તાકીદ કરી છે.મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક, સંચાલકોને જિલ્લા કલેકટર દ્વારા સુચિત કરતા જણાવાયું છે કે, તારીખ 26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરાનો વરસાદ પછી આપના કારખાનામાં અગર કોઈ જુના કે જર્જરીત કે તૂટી જવાની સંભાવના હોય તેવા બિલ્ડીંગના ભાગો કે અન્ય જોખમી ભાગો હોય તો આવા દરેક ભાગોને તાકીદે રીપેરીંગ કરશો અને આવા દરેક ભાગોની આજુબાજુ કોઈપણ શ્રમીક/શ્રમયોગી/વ્યક્તિના જાય તેની પૂરતી તકેદારી રાખશો તથા સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી માટે કોઈપણ શ્રમિકોને કામે રોકતા પહેલા તેઓની પુરતી સલામતી માટે IS સ્ટાન્ડર્ડના સલામતીના સાધનો જેવાકે સેફટી બેલ્ટ, સેફટી હાર્નેસ, હેલ્મેટ, ક્રાઉલિંગ બોર્ડ, વગેરે સાધનો અચૂક આપવા તથા કામગીરી શરુ કરતા પહેલા 'પરમીટ-ટુ-વર્ક એટ હાઈટ' સિસ્ટમનો અમલ થાય તથા આવી કામગીરી જવાબદાર વ્યક્તિના સતત સુપરવિઝન હેઠળ જ કરવામાં આવે તે સુનિસ્ચિત કરવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ નાયબ નિયામક ઉદય રાવલ દ્વારા જણાવવામાં આવે છે.વધુમાં જણાવાયુ છે કે, એલપીજી ટેંક અને એલપીજી, નેચરલ ગેસની પાઇપલાઇન ચાલુ કરતા પહેલા લાઈનમાં કોઈપણ જાતની લીકેજ ન હોય તેની ખાતરી કરી લેવી અને એલપીજી, નેચરલ ગેસ વપરાશ અંગેની SOP ચુસ્ત રીતે અમલ કરવી અને એલપીજી લીકેજ ના થાય તે અંગે તેના સુરક્ષાના સાધનો જેવા કે એલપીજી સેન્સર, એલપીજી, નેચરલ ગેસ લીકેજ ડિટેક્ષન સિસ્ટમ અને ફાયર ફાઈટિંગના સાધનો કામ કરે છે કે નહીં તેની સુનિશ્ચિત કરવી અને લેમીનેટના કારખાનામાં ફોર્માલ્ડિહાઈડના પ્લાન્ટ ચાલુ કરતા પહેલા ફિનોલ, મિથેનોલ તથા ફોર્માલ્ડિહાઈડની પાઇપલાઇન યોગ્ય રીતે ચેક કરવી અને પ્લાન્ટ ચાલુ કરવા અંગેની સુરક્ષિત SOP અમલ કરવી.જો તેમ કરવામાં ચૂક થશે કે કોઈપણ શ્રમિકોને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.