તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના : તમામ ટીમોને ખડેપગે રહેવાનો કલેકટરે આદેશ આપ્યો મોરબી : હવામાન વિભાગ દ્વારા મહા વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું હોવાનો આગાહી આપવામાં આવી છે.જેના પગલે મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને અધિક કલેકટરે સંભવિત વાવાઝોડાની અસરને પગલે જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.તેમજ તમામ ટીમોને ખડેપગે રહેવાની સૂચના આપી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા.6.થી તા.8 સુધીમાં ગુજરાતમાં મહા વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે.જેમાં આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાતના વલસાડ ,નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં તેમજ સોરાષ્ટ્ના ભાવનગર સહિતના જિલ્લાઓની સાથે મોરબી જિલ્લાને પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.આ વાવાઝોડાની અસરથી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકવાની અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શકયતા દર્શાવી છે.તેથી રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી માટે પૂર્વ તૈયારીઓ રૂપે આગોતરા આયોજનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.જેને પગલે મોરબી જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.આ અંગે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, હાલ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને રાહત બચાવની તમામ ટીમોને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.હાલ મોરબી જિલ્લામાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ તેવી શકયતા છે.ત્યારે આ વાબઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા સમગ્ર જિલ્લા તંત્ર કામગીરીમાં જોતરાયું છે.