ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને પૂર્વ સદસ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ: તલાટી 2 મહિનાથી ગેરહાજર હોવાની પણ રાવમોરબી: આમરણ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં ધંધાર્થીઓ દ્વારા બેરોકટોક આડેધડ ખડકી દેવાયેલા દબાણોને કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ ગંભીર સમસ્યા અંગે આમરણ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનીતાબેન મગનભાઈ પરમાર તથા ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય દાદામિંયા કાસમમિંયા બુખારીએ મોરબી જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક પગલાં લઈ બિનઅધિકૃત દબાણો દૂર કરવા માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આમરણ ગામ આસપાસના 24 ગામોનું હટાણાનું મુખ્ય કેન્દ્ર છે. બસ સ્ટેશન વિસ્તારમાં જ કરિયાણા, શાકભાજી બજાર અને હોટલો આવેલી છે. ધંધાર્થીઓના અણધિકૃત દબાણોને કારણે એસ.ટી.બસોને પ્રવેશ કરવામાં નાકે દમ આવી જાય છે. દર ગુરુવારે ભરાતી ગુરુવારી ગુજરી બજાર સમયે તો બસ સ્ટેન્ડ મેદાનની વચોવચ પાથરણાવાળા અડીંગો જમાવી લેતા હોવાથી બસો માટે પ્રવેશ નિષેધ જેવી સ્થિતિ બની જાય છે. પરિણામે બસોને બારોબાર હાઈવે પરથી નીકળી જવાની ફરજ પડે છે અને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાયમી ટ્રાફિક જામની સ્થિતિમાં સામાન્ય રાહદારીને પસાર થવું પણ મુશ્કેલ થઈ પડે છે.બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગ પર માલિકીની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા દુકાનો બહાર કાઢેલા ઓટલા-છાપરા તેમજ શાકભાજી બજારમાં ધંધાર્થીઓ દ્વારા ખડકી દેવાયેલા લારી ગલ્લાં, માંડવા, કેબિનો વગેરે દબાણોને કારણે લોકો અતિ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તદુપરાંત ગ્રામ પંચાયતની ખુલ્લી જમીન પર પણ ધંધાર્થીઓ દ્વારા બેરોકટોક ખડકી દેવાયેલા મસમોટા પાકા બાંધકામોએ ચોતરફ ભરડો લઈ લીધો છે.આ ઉપરાંત બસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલ ગામના મુખ્ય તળાવના પૂર્વ ભાગે આવેલ કપડાં ધોવાનો વર્ષો જૂનો ઘાટ હાલ મૃતપ્રાય બનેલ છે. નવો ઘાટ મંજુર થઈ ગયેલ છે પરંતુ તળાવ કાંઠાના મુખ્ય માર્ગ તથા ઘાટની આસપાસ ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. તેમજ મુખ્ય માર્ગ પર જ માલધારીઓએ વાડા વાળી લઈ દબાણ સર્જેલ હોવાથી મહિલાઓ કપડાં ધોવા જવા માટે આ ઘાટનો ઉપયોગ કરી શકતી નથી. બીજી તરફ, આમરણ ગ્રામ પંચાયતના રેવન્યુ વિભાગના તલાટી છેલ્લા 2 માસથી ગેરહાજર રહેતા હોવાથી ખેડૂતવર્ગ સહિત લોકોના અનેક કામ અટવાયેલા પડ્યા હોવાની રજૂઆત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.ઉપરોક્ત બાબતે ગ્રામ પંચાયતના સત્તાધીશો સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં તેઓ દબાણકર્તાઓ સામે પગલાં લેવાને બદલે મૌન ધારણ કરીને બેઠા છે. આથી લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાકિદે સંજ્ઞાન લઈ આમરણ ગામને દબાણ મુક્ત કરવા કડક પગલાં હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Amran #Morbi #EncroachmentIssue #STBus #DDO #MorbiUpdate #GujaratNews #PublicIssue #GramPanchayat