ૐ મંત્રનો નાદ, બ્રહ્મચર્યની શક્તિ, વર્ણ વ્યવસ્થા કર્મ અનુસાર જન્મ આધારે નહી, સમાજ સુધારા માટે નિયમોનું નિર્માણ ટંકારા જન્મ લેનાર ઋષિવર કુંભ મેળામાંથી નિકળી અનુપ શહેર પહોંચી ગયા છે જ્યા પણ અનેક પરાક્રમ કરે છે મહર્ષિનું જીવનચરિત્ર વીરત્વની વિધ વિધ ઘટનાઓથી ભરપૂર છે.મણિ-રત્ન જેવું એ માનવ-જીવન પોતાના પ્રત્યેક પાસામાંથી કેવું ઝલકી રહ્યું છે ! જગતના રોષ,તિરસ્કાર અને વિદ્વેષનું ઝેર પાળી પાળીને પીતાં પીતાં,તેના બદલામાં,એ યોગીવરે પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી વલોવીને આપ્યું છે, તેની સાક્ષી દેતા આ જીવન-પ્રસંગો ઉભા છે. આચરણની ઝીણવટમાં જ મહત્તાની કસોટી છે.એ કસોટીની જ્વાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે ! એના સિદ્ધાંતો સાથે મતભેદ સેવનારાઓને પણ એની મહાનુભાવતાની આ ઘટનાઓ સત્યનું ભાન કરાવે છે. મતભેદો તો જગતમાં પડ્યા રહેશે. ગગનમાં ચડશે કેવળ આવી જીવન-ફોરમો. જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં દયાનંદ સાચા વીરનર હતા.દયાનંદના જીવન દરમ્યાન જેમણે એમને જોયા એ સૌને એક યોદ્ધા રૂપે જ દેખાયા.અને તેમના મૃત્યુ બાદ તેમના જીવનનો અભ્યાસ કરનારાઓને પણ મહર્ષિ સત્યના એક અચળ મહારથી સ્વરૂપે જ દેખાય છે.સત્યનું ખડ્ગ ધારી જીન્દગીભર ઝઝૂમનાર યોદ્ધાનું કઠોર જીવન છતાં મહર્ષિના આખા યે જીવનમાં બસ ભવ્યતા જ ઝળહળી રહી છે.નિર્મળ ચારિત્ર્ય,આરોગ્યની અને બ્રહ્મચર્યની પ્રભાથી પ્રકાશતું મુખારવિન્દ,એક કૌપીનભર,અહર્નિશ ઉઘાડા રહેતા શરીરનો બુદ્ધિ જેટલોજ પ્રખર વિકાસ,પ્રતાપી લલાટ,તીક્ષ્ણ નયનદ્વય,વિશાળ ભુજાઓ, દેહની પુરા પાંચ હાથની પહાડી ઉંચાઈ અને એક હાથમાં એથી યે ઉંચો દંડ: એ પ્રતિભાશાળી વ્યક્તિત્વ નીરખી પ્રેક્ષકોનું મસ્તક મહર્ષિના ચરણમાં ઢળી પડતું. મહર્ષિને નીરખી મહાભારતના ભીષ્મ અને રામાયણના વજ્રકાય મારૂતી સ્મરણે ચડતા.આદિત્ય બ્રહ્મચારી દયાનન્દનો એવા દુર્ઘર્ષ અને દુર્દમનીય દેહ ભાળીને મેડમ બ્લેવેટ્સ્કી અને કેશવચંદ્ર સેન જેવા પણ તેજમાં અંજાઈ ગયેલા.મહર્ષિના બ્રહ્મચર્યના વર્ચસે જ એમને દોડતી જતી બે ઘોડાવાળી જોધાણનાથની ગાડીને પાછલું પૈડું પકડીને ઉભી રાખવાની અને ઝેર પચાવી જવાની તાકાત અર્પેલી.મહર્ષિએ બુદ્ધિનો અને આત્માનો પ્રખર વિકાસ સાધવાની સાથોસાથ શરીરનો પણ એટલો જ વિકાસ સાધેલો.બુદ્ધિના યજ્ઞમાં એમણે શરીરનો બલિ આપી દીધો નહીં,એટલે જ એમની વિવાદશક્તિ અપૂર્વ હતી અને તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી.પૂરતી કાળજીથી ખિલાવેલા એ અમાનુષી સામાર્થ્યને પ્રતાપે જ મહર્ષિના કંઠમાં,વર્ષોના યુદ્ધને અંતે વિજ્યની વરમાળ પડી.અને મહર્ષિના વિજ્યમાં સહાય પૂરનારા એમના જીવનના બીજા વિશિષ્ટ ગુણો યે જાણે કોઈ પાસાદાર મણિરત્નની જૂદી જૂદી પ્રકાશવંતી બાજુઓના જેવા જ પ્રકાશી રહે છે. મહર્ષિએ જીવનની છેલ્લી ઘડી સુધી મગજમાંથી એ ખ્યાલને ખસવા ન દીધો કે એણે વૈભવ અને વિલાસ સામે, દંભ અને દુરાચાર સામે, અધર્મ અને અનીતિ સામે, મહન્તગીરીઓ અને ગુરૂપદ સામે બળવો માંડ્યો છે. અને એટલે જ એણે એક લંગોટી ઉપર જ આખી જીન્દગી વીતાવી. મહર્ષિએ કદી કીર્તિને માટે કે સત્તાને માટે યે પરવાહ નથી કરી, સત્યને જેવું જોયું તેવું જ બોધનારા અને આચરનારા એ જીવનાન્ત સુધી અવધૂત જ રહ્યા. એના સત્યપ્રેમને કોઈ સામ્રાજ્યસત્તા ડગાવી શકી નહીં. કોઈ સંયોગો નમાવી શક્યા નહીં. એટલે જ બરેલીમાં ખડખડાટ હાસ્ય કરીને એ સત્યવીર બોલેલા કે 'ત્રિલોકનું રાજ્ય મારે ચરણે ધરો તો યે હું સત્યનો સાથ નહીં છોડું. ત્રિલોક કરતાં સત્ય મને વધારે પ્રિય છે.' મહર્ષિને સત્ય પ્રત્યે જેટલો પ્રેમભાવ હતો એટલો જ પ્રબળ તેમને અસત્ય અને દંભ પ્રત્યેનો તિરસ્કાર હતો. આર્યધર્મને નામે આર્યાવર્તમાં વ્યાપેલા અસત્ય અને દંભ એમનાથી ન જોઈ શકાયા.એટલે જ તેમણે સત્ય પ્રકાશને માટે, વેદધર્મના પુનઃસ્થાપનને માટે ભેખ લીધો.અને પછી તે મહર્ષિનો જ્વલંત આશાવાદ, એમનો અથાક ઉત્સાહ,એમનું અજેય ઇચ્છાબળ, એમની અડગ હિમ્મત, એમનું વિરલ ચારિત્ર્ય - એ સામર્થ્ય - ભંડોળના પ્રતાપે મહર્ષિએ ૐ ના જયનાદથી ભારતવર્ષ ગજાવી મૂક્યો.આજે યે જેના જયનાદથી ભારતવર્ષનાં ગામ ગામડાં અને નગરો ગાજી રહ્યાં છે.એ મહર્ષિની હાકલથી આખી હિન્દુકોમ જાગી ઉઠી છે. મહર્ષિનો એ ૐ નાદ અનેક વસ્તુઓનો સુચક છે.મહર્ષિના ૐ નાદ એટલે વેદધર્મની પુનઃસ્થાપના અને એ વેદધર્મને નામે અનેક સામાજિક સુધારણાઓનો સદ્બોધ.મહર્ષિની એક માન્યતા હતી કે જે વસ્તુ બુદ્ધિને ગ્રાહ્ય ન હોય એ વસ્તુ કદીયે શાસ્ત્રીય ન હોય, અને એમના કાળમાં, આજની જેમ એવી અનેક વસ્તુઓ, અનેક રૂઢિઓ અને રિવાજો ધર્મને નામે ચલણી બની ગયેલા કે જેને બુદ્ધિ કદીયે સ્વીકારી શકે નહીં. એટલે મહર્ષિને વેદધર્મના પુનઃપ્રસારને માટે પ્રથમ સામાજિક સુધારણાનું કાર્ય હાથ ધરવું પડ્યું.એમને મન વેદપ્રચાર અને સમાજસુધારણા બન્ને સરખા મહત્ત્વની વસ્તુઓ બની રહી.એ બન્ને મહર્ષિના મહાકાર્યનાં અનિવાર્ય અંગ બની ગયાં,મહર્ષિએ હિન્દુ જાતિમાં કોમ, જ્ઞાતિઓ અને વાડાઓના કોઇ પાર વિનાના ભેદ જોયા અને વેદશાસ્ત્રમાં વર્ણવેલા ચતુવર્ણોનો બોધ દીધો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રઃ એમ આદમીના કર્માનુસાર - જન્માનુસાર નહીં ચાર વર્ણમાં હિન્દુસમાજની પુનઃ રચનાનો બોધ દીધો.પછી,મહર્ષિએ, હિન્દુકોમનું શરીરબળ હણી રહેલા બાળલગ્નના રિવાજ ઉપર પ્રહાર કર્યો. તેમણે આદેશ દીધો કે “વેદશાસ્ત્ર મુજબ લગ્ન વખતે કન્યાની કમમાં કમ ૧૬ વર્ષની વય અને પુરૂષની એાછામાં એાછી ૨૫ વર્ષની ઉમર હોવી જોઈએ.એથી એાછી ઉંમરે લગ્ન થાય એ શાસ્ત્ર વિરૂદ્ધ છે.જાતિનો હ્રાસ અટકાવવા સબળ સંતતિ જોઈએ; અને સબળ સંતતિ જન્માવવા પુખ્ત ઉમ્મરનાં સ્ત્રીપુરૂષોએ ગૃહસ્થાશ્રમ માંડવા જોઈએ. કાચી વયનાં પતિપત્નીના સંભોગથી નીપજેલાં બાળકોને-એ બાળલગ્નના દૈત્યોને જ આર્યાવર્તની આજની અવદશા આભારી છે. મહર્ષિના એ આદેશ મુજબ એમનાં અનુયાયી લાખો આર્યસમાજીઓમાંથી આજે બાળલગ્નનો કુરિવાજ બંધ થયો છે.મહર્ષિએ હિન્દુ સ્ત્રીની દુર્દશા જોઈ સ્ત્રીઓને આચાર વિચારની યોગ્ય સ્વતંત્રતા આપવાની હિમાયત કરી. તેમણે પરદેશગમન સામે ધર્મને નામે ચાલતા પ્રતિબંધનો ઇન્કાર કર્યો અને પુરાતન ઇતિહાસમાંથી દૃષ્ટાંત આપી સિદ્ધ કરી આપ્યું કે પ્રાચીન કાળમાં પરદેશગમનની પરેપૂરી છુટ હતી.આવતીકાલે આઠ ગપ્પા અને...