પંજાબની ધરા પર પહાડોના તપસ્વીએ પુરજોશમાં પ્રચાર કરી ધાર્યા કરતાં બમણી સફળતા મળી, હિન્દુને ઈસાઈ બનતા રોક્યા દિલ્હીમાં દયાનંદ સરસ્વતીને પંજાબના સુધારકો તરફથી નિયંત્રણ મળ્યું હતું. જેથી ઉત્તર પ્રાન્તમાં વૈદિક સંદેશના પ્રસારનો એ બહુમૂલ્ય અવસર હતો. શાસ્ત્રાર્થ–સમરમાં વૈદિક સિદ્ધાન્તોનો ઝંડો ફરકાવીને ધર્મયુદ્ધના મહારથી દયાનંદે પંજાબમાં વેદરૂપી પાંચજન્ય શંખનો નાદ સંભળાવવા પ્રયાણ કર્યું. ભારતનાં અન્ય પ્રાન્તોની અપેક્ષા પંજાબનું વિશેષ મહત્ત્વ છે. આ પ્રદેશ વિદેશી હુમલાખોરોનો મુકાબલો કરવામાં અગ્રસ્થાને રહ્યો છે. ગુરુનાનક સ્થાપિત શીખ સંપ્રદાય અને તેના ગુરુઓની વિદેશી અને વિધર્મી શાસકો સામેની લડાઈના બલિદાનની આ ભૂમિ છે. તેની સાથે પંજાબનું હૃદય કોમળ પણ છે. તેના પર પ્રભાવ પાડવો સરળ છે, જેથી તેના પર ક્રિયા અને પ્રતિક્રિયાનો પ્રારંભ શીઘ્ર થાય છે. પંજાબીઓ વિચાર કરવાની સાથે આચરણમાં તરત મૂકે છે. જેથી સ્વામીજી જેવા એક આર્ષદૃષ્ટા સુધારકને આથી સારું ક્ષેત્ર બીજું ક્યાં મળવાનું હોય ? સ્વામીજીના આગમન પૂર્વે પંજાબનું સાર્વજનિક જીવન વિભિન્ન સંસ્કૃતિઓ અને વિચારધારાઓના ઘાત–પ્રતિઘાતથી વિકાસનું એક નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. અહીં મુસ્લિમો બહુસંખ્યક હતા, તો શીખ ધર્મનો પ્રભાવ અધિક હતો. અહીંના શિક્ષિત—પ્રબુદ્ધ વર્ગમાં બ્રહ્મસમાજનું વિશેષ સ્થાન હતું. અંગ્રેજ શાસનના પીઠબળથી ઈસાઈ પાદરીઓ બોડી બામણીનું ખેતર માનીને પરિપક્વ પાકને લણી રહ્યા હતા. ધર્માન્તરણ કરી રહ્યા હતા. જેથી સ્વામીજીને વિશેષ યુદ્ધ તેઓની સાથે કરીને હિન્દુઓને ઈસાઈ થતા બચાવવાનું ભગીરથ કાર્ય હતું. સ્વામીજી ચાંદાપુરથી પ્રસ્થાન કરીને શાહજહાંપુર અને સહારનપુર થઈને સંવત ૧૯૩૩ ચૈત્રવદ ૨, શનિવાર (૩૧ માર્ચ, ૧૮૭૭)ના રોજ લુધિયાના પધાર્યા. મુન્શી કનૈયાલાલ અલખધારીએ તેમનું અત્યંત સન્માન અને પ્રેમથી સ્વાગત કરીને લીલા બંસીધર વૈશ્યના બાગમાં નિવાસની વ્યવસ્થા કરી. અહીં સ્વામીજીનાં સાત પ્રવચનો થયાં. આઠમા દિવસે શંકા સમાધાન અને શાસાર્થ માટે જાહેરાત કરી, પરંતુ કોઈ આવ્યા નહિ. સં. ૧૯૩૩ વૈશાખ સુદ ૬, ગુરુવાર (૧૯ એપ્રિલ, ૧૮૭૭)ના રોજ સ્વામીજી લાહોર આવ્યા. સ્ટેશન પર બ્રહ્મસમાજના નેતાઓએ તેઓનું સ્વાગત કરીને દીવાન રતનચંદ દાઢીવાળાના બાગમાં નિવાસની વ્યવસ્થા કરી. સ્વામીજીનાં પ્રથમ બે પ્રવચનો વેદ અને વેદોક્ત વિષય પર બાવલી સાહેબમાં થયાં. ત્યાર બાદ બે પ્રવચનો બ્રાહ્મમંદિરમાં થયાં. સ્વામીજીનાં આ પ્રવચનોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. સ્વામીજીને પંજાબમાં લાવવામાં અને પ્રારંભમાં વ્યવસ્થા કરવામાં બ્રહ્મસમાજીઓનો ફાળો હતો અને સુધાર કાર્યમાં તેઓની સહમતિ પણ હતી. પરંતુ સ્વામીજી સાથે વેદ અને પુનર્જન્મ વગેરે વિષયોમાં સહમત ન હતા. અને સ્વામીજીએ પ્રવચનોમાં તે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા તેઓ રુષ્ટ થયા અને સ્વામીજીના વિરોધી બની ગયા. એટલું જ નહિ, પરંતુ પ્રારંભિક વ્યવસ્થામાં થયેલ ખર્ચ પચીસ રૂપિયા સ્વામીજી પાસેથી વસૂલ કરીને શિષ્ટાચાર પણ ભૂલી ગયા. સંસારમાં અનેક મનુષ્યોએ પોતાને ઈશ્વરના અવતાર, દૂત, પયગંબર કહીને પોતાના નામે પંથોની સ્થાપના કરી છે. આજે તેના લાખો— કરોડો ચેલા-ચેલીઓ જોવા મળે છે. કેટલાય ગુરુ બનીને, તો કોઈ સાક્ષાત્ ઈશ્વર બનીને, લાખો ભોળા મનુષ્યોને અજ્ઞાન અને અંધકારમાં ધકેલી દીધા છે, ધકેલી રહ્યા છે અને પોતાના અનુયાયીઓને ઘેટાં બનાવીને વર્ષમાં બેવાર ઊન ઉતારી રહ્યા છે, લૂંટી રહ્યા છે. કોઈ યોગની સાધારણ ક્રિયાઓ દ્વારા ગુરુ બનીને શિષ્યોને ભ્રમણામાં નાખી રહ્યા છે. ત્યારે એકમેવ એવા દયાનંદ પૂર્ણયોગી, ઋષિકલ્પ પરિવ્રાટ સમ્રાટ અને વેદભાષ્યકાર હોવા છતાં ગુરુ બનવાથી દૂર રહે છે. આ તેઓની નિઃસ્પૃહતા અને નિરાભિમાનતાની પરાકાષ્ઠા છે. આ હતું દયાનંદનું વાસ્તવિક સ્વરૂપ. તેઓની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વાગોળીને કરીને આપણે શા માટે ગૌરવ ન અનુભવીએ ? લાહોરમાં ત્રણ મહિના પ્રચાર અને આર્યસમાજની સ્થાપના વગેરે કરીને સં. ૧૯૩૩ જેઠ વદ ૯, ગુરુવાર (જુલાઈ ૫, ૧૮૭૭)ના રોજ સ્વામીજી અમૃતસર પધાર્યા. નિવાસની વ્યવસ્થા શ્રી દયાલસિંહ મજીઠિયાએ મિયાં મોહમદખાનની કોઠી પર કરી. અમૃતસરમાં સ્વામીજીએ પ્રતિમા—પૂજન, અવતારવાદ અને મૃતક શ્રાદ્ધ વગેરે મિથ્યામૂલક વિષયો પર આલોચના કરી. જેથી પંડિતોમાં હલચલ મચી ગઈ. યજમાન પોતાના પુરોહિતો અને પંડિતોને શાસ્ત્રાર્થ કરવા માટે મજબૂર કરવા માંડ્યા, પરંતુ સાહસ કરીને કોઈ સ્વામીજી સમક્ષ આવ્યા નહિ. સ્વામીજીના ઉપદેશ અને પ્રવચનોથી લોકોમાં આર્યત્વની ભાવના ઉત્પન્ન થઈ અને સંવત ૧૯૩૩ શ્રાવણ સુદ ૪, રવિવાર (૧૨ ઓગસ્ટ, ૧૮૭૭)ના દિવસે ઉક્ત મોહમદખાનની કોઠી પર સ્વામીજીએ પ્રથમ ઈશ્વરોપાસના અને યજ્ઞ કરીને આર્યસમાજની સ્થાપના કરી. ત્યાર બાદ એક મકાન ભાડે રાખીને સાપ્તાહિક સત્સંગ વગેરે નિયમિત થવા લાગ્યા. સં. ૧૯૩૩ શ્રાવણ સુદ ૯, શુક્રવાર (૯ ઓગસ્ટ, ૧૮૭૭)ના રોજ સ્વામીજી ગુરુદાસપુર પહોંચ્યા. અહીં પ્રવચનોમાં અનેક શ્રોતાજનો આવતા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ લાભ ઉઠાવતા હતા. સ્વામીજીના ઉપદેશોના પ્રભાવથી ગુરુદાસપુરમાં સં. ૧૯૩૩ શ્રાવણ વદ ૧, શુક્રવાર (૨૪ ઑગસ્ટ,૧૮૭૭)ના રોજ આર્યસમાજની સ્થાપના કરવામાં આવી. ગુરુદાસપુરથી સ્વામીજીએ ૨૮ ઑગસ્ટના રોજ અમૃતસર આવી થોડા દિવસો નિવાસ કરીને સં. ૧૯૩૩ ભાદરવા સુદ ૬, ગુરુવાર (૧૩ સપ્ટેમ્બર, ૧૮૭૭)ના રોજ જાલંધર આવીને સરદાર સુચેતસિંહની કોઠી પર નિવાસ કર્યો. જાલંધરમાં સ્વામીજીના પાંત્રીસ પ્રવચનો થયાં. એક પ્રવચનમાં સ્વામીજીએ સુધારની દૃષ્ટિએ સરદાર વિક્રમસિંહના દુરાચરણ (વેશ્યા રાખવા) સંબંધી ટીકા કરી. સં. ૧૯૩૩ આસો વદ ૪, શુક્રવાર (૨૬ ઑક્ટોબર, ૧૮૭૭)ના રોજ ચરિત્ર નાયક ફિરોઝપુર હિન્દુસભા નામની નવસ્થાપિત સંસ્થાના નિમંત્રણથી પધાર્યા. અત્રે સ્વામીજીનાં આઠ પ્રવચનો થયાં. ક્લાર્ક કૃપારામ પંડિતે સ્વામીજીને ઈશ્વરની સર્વવ્યાપકતા પર શંકા કરતા, સ્વામીજીએ ઈશ્વર સૂક્ષ્મ હોવાથી સર્વત્ર વ્યાપક હોવાનું સમાધાન આપ્યું. એક દિવસ ફિરોજપુર છાવણીના મોટા મંદિરના પૂજારી રઘુનાથ સ્વામીજીને મળવા આવ્યા. સ્વામીજીએ તેમને પૂજારી શબ્દનો અર્થ પૂછતા કોઈ જવાબ ન આપી શક્યા. જેથી સ્વામીજીએ વિનોદપૂર્વક કહ્યું, ‘‘પૂજા + અરિ...