બે સેવાભાવી મહિલાઓ દસ જેટલી શાળાઓમાં કુલ દોઢ લાખની કિંમતની 160 ચણીયા-ચોલી અર્પણ કરશે મોરબી : અંકલેશ્વરના યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા મોરબીમાં વિદ્યાર્થિનીઓને ચણીયા-ચોલીનું અનોખું દાન આપવામાં આવ્યું છે. બે સેવાભાવી મહિલાઓ દ્વારા ચાલતા આ ટ્રસ્ટ દ્વારા દસ જેટલી શાળાઓમાં કુલ દોઢ લાખની કિંમતની 160 ચણીયા-ચોલી અર્પણ કરવામાં આવશે. આજના સમયમાં ઘણા બધા લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન અર્પણ કરી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને, સમાજને મદદરૂપ થતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું ભેગું કરતા હોય છે. તે અન્વયે પૂર્ણિમાબેન કાપડિયા કે જેઓ હાલ અંકલેશ્વર મુકામે રહે છે અને રસિલાબેન અમૃતલાલ વડસોલા કે જેઓ વાપી રહે છે. બંને બહેનો યુનિવર્સલ વેલ્ફેર ટ્રસ્ટ ચલાવે છે. મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, જુદાં-જુદાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળાઓ ચણીયા-ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે. એ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી નિહાળીને તેઓ એનાથી પ્રભાવિત થયા અને બંને બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો અને મોરબીની માધાપરવાડી કન્યા શાળા, રાજપર તાલુકા શાળા, ભરતનગર પ્રા. શાળા, લખધીરનગર પ્રા. શાળા, કપોરીવાડી પ્રા.શાળા, કડીયાણા તાલુકા શાળા, મેરૂપર તાલુકા શાળા, બિલિયા પ્રા.શાળા, મેઘાણીવાડી પ્રા.શાળા, રંગપર તાલુકા શાળા એમ કુલ દસ શાળાઓમાં સોળ-સોળ નંગ આશરે એક હજાર રૂપિયાની કિંમતની કુલ 1,60,000 રૂપિયાની ચણીયા ચોલી અર્પણ કરેલ છે. હાલ પાંચ શાળામાં પહોંચાડેલ છે. સિલાઈ કામ ચાલુ હોય, બાકીની શાળાઓ માટે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયાચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. અંકલેશ્વરમાં રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ દશેદશ શાળાઓના આચાર્ય દ્વારા આભારપત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ છે. ઉલ્લેખનીય છે કે આ બહેનો દ્વારા ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થા, અભ્યાસની ફીની વ્યવસ્થા, ગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટવાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે. જેમાં પાંચ સાડી, પાંચ ડ્રેસ મટિરિયલ્સ, એક ચણીયાચોલી, ચાંદીના સાંકળા, બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે. અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાન, આંખના ઓપરેશન માટે આર્થિક મદદ, મેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..