આમરણાંત ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે ખેડૂતોનો રોષ ચરમસીમાએમોરબી :જેતપર ગામમાં વીજ કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવાયા વગર ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહેલા આ આંદોલનના પાર્ટ-2 ના આજે ત્રીજા દિવસે 15 ખેડૂતોર મુંડન કરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.અદાણી સહિતની વીજ કંપનીઓની મનમાની સામે વિરોધ નોંધાવવા માટે જેતપર અને આસપાસના ગામના 15 જેટલા ખેડૂતોએ મુંડન કરાવ્યું છે. ઉપવાસ છાવણી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ આ મુંડન કરાવીને પ્રતીકાત્મક રીતે વીજ કંપનીઓનું 'બારમું' અને 'પિંડદાન' કર્યું હોવાનો રોષ ઠાલવ્યો હતો. આંદોલનકારી ખેડૂત નિતેશ જાકાસણિયાએ જણાવ્યું હતું કે, વીજ કંપનીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે અને ખેડૂતોના સતત વિરોધ છતાં કામ બંધ કરવામાં આવતું નથી. કંપનીના અધિકારીઓ ખેડૂતોને કોર્ટમાં કેસ કરવાનું કહીને પોતાનું કામ ચાલુ જ રાખે છે. અન્ય એક ખેડૂત આગેવાને પણ કંપનીઓની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કંપનીઓ કોઈનું માનતી નથી અને બળજબરીથી ખેતરોમાં ઘૂસી જાય છે, તેથી કંટાળીને આખરે આ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.હાલમાં 20 જેટલા ખેડૂતોના ખેતરમાં મહાકાય વીજ થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો દ્વારા હાલ આમરણાંત ઉપવાસ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં રાત્રીના રામધૂન અને લોકડાયરા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ લડાઈ હવે માત્ર જેતપર પૂરતી સીમિત રહી નથી, પરંતુ અન્ય ગામના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.#Morbi #MorbiUpdate #Jethpar #FarmersProtest #AdaniPower #ElectricityCompany #GujaratNews #MorbiNews