9 સપ્ટેમ્બરે યોજાશે વિશેષ બાળ સભા: મેયરથી લઈને કોર્પોરેટર સુધીની ભૂમિકા ભજવી બાળકો લોકશાહી અને વહીવટી પ્રક્રિયા સમજશે મોરબી: બાળકોમાં લોકશાહી મૂલ્યોનું સિંચન થાય અને તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 09/09/2026 ને બુધવારના રોજ 'બાળકો દ્વારા સંચાલિત બાળ મહાનગરપાલિકા' ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ હોલ (સભાખંડ) ખાતે સવારે 10:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બાળકોને માત્ર પ્રેક્ષક તરીકે નહીં, પરંતુ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર તરીકેની સાંકેતિક ભૂમિકાઓ સોંપવામાં આવશે.આ બાળ સભામાં વિદ્યાર્થીઓ જાતે મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યવાહીનું સંચાલન કરશે. તેઓ શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરશે, પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરશે અને તેના ઉકેલ અંગેના સૂચનો રજૂ કરી નિર્ણય પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે. આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ કરવાનો છે. સાથે જ, વિદ્યાર્થીઓમાં લોકશાહી વ્યવસ્થા, નાગરિક ફરજ અને સ્થાનિક સ્વરાજ્યની કામગીરી અંગે જાગૃતિ અને સમજ કેળવાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. #MorbiUpdate #MorbiMMC #BalSabha #ChildrensParliament #DemocracyForKids #MorbiNews #Morbi