મોરબી : મોરબી વરિયા મંદિર ખાતે આજરોજ પ્રજાપતિ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વર્ષે નવી પહેલના ભાગરૂપે પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (વરિયા બોર્ડિંગમાં) કાર્યરત લાયબ્રેરીના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.સમાજના લોકોએ ઉત્સાહભેર આ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું અને મનગમતા પુસ્તકો વાંચન માટે પોતાની સાથે લઈ ગયા હતા. સમાજના લોકો બોર્ડિંગની લાયબ્રેરીની મુલાકાત લેતા રહે અને વાંચન પ્રત્યે પ્રેરાય તેવી પહેલ કરવામાં આવી હતી. આ પુસ્તક પ્રદર્શનમા 1100 થી વધુ પુસ્તકો રખાયા હતા. જેમાં ધાર્મિક, આધ્યાત્મિક, સાહિત્ય, બાળસાહિત્ય, કાવ્યસંગ્રહ, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લાગતા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.