સાત વર્ષના બાળકથી લઈ 70 વર્ષના દાદા પણ દેશી વાજીંત્રોના તાલે રાસ રમે છેમોરબી : આજના સમયમાં નવરાત્રી એટલે માતાજીની આરાધના નહીં પરંતુ રાસ રમવાનો રૂડો અવસર ગણી પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના નામે ફિલ્મી ગીતોના તાલે ડાન્સ કરવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પ્રાચીન પરંપરા જાળવી રાખવામાં આવી છે. મોરબી તાલુકાના ખેવારિયા ગામમાં છેલ્લા 265 વર્ષથી અનોખી પરંપરા મુજબ માત્ર ને માત્ર પુરુષો જ ગરબા રમે છે અને એ પણ દેશી તબલા, હાર્મોનિયમ અને ઢોલના તાલે આ અનોખી ગરબીમાં ગરબા પણ પ્રાચીનકાળના જ ગાવામાં આવે છે.મોરબી તાલુકાના ખેવારિયા ગામના જગુભા જણાવે છે કે, ખેવારિયા ગામમાં અંદાજે 265 વર્ષથી નવરાત્રી દરમિયાન માં શક્તિની ભક્તિ અને આરાધના માટે પુરાતન પરંપરા મુજબ ગરબા રમવામાં આવે છે. જો કે, સામાન્ય રીતે કોઈપણ સ્થળે ગરબીમાં બાળાઓ, યુવતીઓ અને માતાઓ બહેનો ગરબા રાસ રમતા હોય છે પરંતુ ખેવારિયા ગામમાં વર્ષોથી ચાલ્યા આવતા રીતરિવાજ મુજબ અહીં પુરુષો જ રાસ રમે છે. ખેવારિયા ગામની આ વિશિષ્ઠ ગરબીમાં સાત વર્ષના બાળકથી લઈ 70 વર્ષના દાદા તેમજ કેટલાક 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના બુઝુર્ગ પણ હોંશે હોંશે માતાજીના રાસ રમી ભક્તિભાવથી નવરાત્રી ઉજવે છે.વધુમાં ખેવારિયા ગામમાં સદીઓથી યોજાતી ગરબીમાં ગ્રામજનો દ્વારા આધુનિક વાજીંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી, ગ્રામજનો દ્વારા તબલા, હાર્મોનિયમ, ઝાંઝ અને ઢોલના તાલે જ ગરબા રમવામાં આવે છે. સાથે જ ગરબીમાં પુરુષોના કંઠે પ્રાચીન ગરબા ગાવામાં આવે છે જેને રાસ રમતા ભાઈઓ જીલીને આ ગરબા ગાવાની સાથે તલ્લીન બની ગરબે રમવામાં આવે છે. ખેવારિયા ગામે દર વર્ષે નવરાત્રીમાં ચકલાના ચણના લાભાર્થે નાટક પણ યોજાય છે જેમાં આ વર્ષે દશેરાના દિવસે જય ચિતોડ નામનું નાટક ભજવવામાં આવશે. સાથે જ દર વર્ષે નવરાત્રીમાં હવન પણ યોજવામાં આવે છે.