ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની અને હાલ મોરબીના રવાપર વિસ્તારની લોટ્સ ૧૫૮ એ/૫માં રહેતા ભગતના હુલામણા નામથી ખ્યાતનામ દઢાણીયા પ્રભુભાઈ કાનજીભાઈ છેલ્લા ૩૦ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે દર શનિવારે સુંદરકાંડના પાઠ કરીને ધાર્મિક આસ્થાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.આશરે 30 વર્ષ પહેલાં ભગત પ્રભુભાઈનો એક ગંભીર અકસ્માત થયો હતો. તબીબોએ પણ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તે સમયે શનિવારનો દિવસ હતો, અને જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા પ્રભુભાઈને મનમાં દ્રઢ શ્રદ્ધા જાગી કે તેમને હનુમાનજીએ બચાવ્યા છે. આ ચમત્કારિક બચાવ બાદ, તેમણે સંકલ્પ કર્યો કે તેઓ જીવનભર દર શનિવારે સુંદરકાંડના પાઠ કરશે. આજે પણ પોતાના સંકલ્પને વળગી રહીને, ભગત પ્રભુભાઈ છેલ્લા ત્રણ દાયકાથી સતત આ સેવા આપી રહ્યા છે. તેઓ દર શનિવારે પોતાના ઘરે અથવા જેને ત્યાં આમંત્રણ હોય, ત્યાં સુંદરકાંડના પાઠ કરે છે. ખાસ વાત એ છે કે, જો કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય તો પણ તેઓ એકલા બેસીને નિયમિતપણે પાઠ કરવાનું ચૂકતા નથી. તેઓ સુંદરકાંડના પ્રસાદ સ્વરૂપે માત્ર અને માત્ર 250 ગ્રામ ખાંડ અને દશથી બાર તુલસીના પાંદડાથી પાઠ કરી આપે છે. તેઓ કોઈ પણ પ્રકારનું દક્ષિણા કે મોટો પ્રસાદ લેતા નથી.