ખેતરમાં ઉગેલા ઘઉંને ઘરે લઇ જવાને બદલે સેવા માટે અર્પણ કર્યા : ૧૦૦ મણ ઘઉં પોતાના ખેતરના અને ૨૫ મણ બજારમાંથી ખરીદીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા મોરબી : હાલના કોરોનને લીધે લોકડાઉન માં ઘણા પરિવારોને રોજી રોટીનો પ્રશ્ન હોવાથી આવા પરિવારોને સહાયરૂપ થવાની ઉમદા ભાવનાથી મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના બેડલા ગામના ખેડૂત ભગવાનજીભાઇ જીંજરિયા દ્વારા સવા સો મણ ઘઉં જરૂરિયાતમંદો માટે આપવામાં આવ્યા હતા.આ ધરતીપુત્રની આફતના સમયે અનન્ય સેવા ખરેખર અન્યો માટે પ્રેરણાદાયી છે. વાકાંનેર તાલુકાના બેડલા ગામે રહેતા ખેતીવાડીનું કામકાજ કરતાં ભગવાનજીભાઇ તથા તેમના બંન્ને પુત્રો અજિતભાઈ અને દિનેશભાઇ જીંજરિયાએ તેમના ખેતરમાંથી ભાગમાં આવેલ ૧૦૦ મણ ઘઉં તેમના ઘેર લઇ જવાના બદલે વધુ ૨૫ મણ બજારમાંથી ખરીદી કુલ ૧૨૫ મણ ઘઉં વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવાભારતી સંસ્થાને આપવામાં આવ્યા હતા.વાંકાનેરની સેવાભારતી સંસ્થા દ્વારા આ ઘઉંની ૫૦૦ કીટ બનાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ૫૦૦ ઘરો સુધી ખેડૂતની સેવાને પહોંચાડવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં ખેડૂત પુત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘઉં પહોચાડવાની કામગીરી કરી ખેડૂત ક્યારેય દેશ સેવામાં પાછળ ન રહે તે સાબિત કર્યું. ખેડૂત દ્વારા અપાયેલ ઘઉંને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે વાકાંનેર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વયંસેવકો દિપકભાઇ ગોવાણી, ગૌરવભાઇ પટેલ, વિશાલભાઇ મહેતા, રાહુલભાઇ વડેરિયા, ધવલભાઇ કથિરીયા અને સુંદરભાઇ સહિતના કાર્યકર્તાઓ સેવાકાર્યમાં જોડાયા હતા અને ઉમદા સેવાકાર્ય બદલ ખેડૂત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.