મોરબી : એક સમય એવો હતો કે દીકરીને ભાર માનવામાં આવતો હતો. દીકરીના જન્મને વધાવવાને બદલે વખોડવામાં આવતો હતો. દીકરીને દુધપીતી કરી દેવામાં આવતી હતી. ગર્ભ પરીક્ષણ કરી દીકરીને માતાના ગર્ભમાં જ મૃત્યુ આપવામાં આવતું હતું. પણ સમાજમાં હવે દીકરી પ્રત્યેની માન્યતાઓ બદલાઈ છે અને દીકરીને પરિવાર, કુટુંબ, સમાજમાં માનભર્યું સ્થાન આપવામાં આવે છે. દીકરી એટલે સાક્ષાત લક્ષ્મી અવતાર. ઘરમાં પુત્રી જન્મ પણ લક્ષ્મી પગલાંની એંધાણી છે. બાળકોને ભણાવનાર પ્રથમ ગુરુ પણ સરસ્વતીરુપે લક્ષ્મી છે. જે ઘરમાં દીકરીનું માન છે, સ્થાન છે તે ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ છે. હિંદુ પરંપરા મુજબ ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજનનું માહાત્મ્ય રહેલું છે. તથા પુત્રી સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ તેમની પૌત્રી 'વિયા'નું પૂજન-અર્ચન કરી સમાજને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડ્યું હતું.